PMના હસ્તે ‘રાણકી વાવ, વડનગર-બાલારામ’ના પ્રવાસન પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ,ખાતમુહૂર્ત: શર્મિષ્ઠા તળાવનો લાઇટ & સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.31ના રોજ વાવ-થરાદની મુલાકાત દરમિયાન ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વધુ નવી ઊંચાઈ પર લઈ જવા રાણકી વાવ, વડનગર અને બાલારામમાં કુલ રૂ. 67 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરશે.
પાટણ ખાતે આવેલી અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવતી ‘રાણકી વાવ’ હવે પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ બનશે. અહીં આશરે રૂ. 18 કરોડના ખર્ચે અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો તથા પ્રોજેક્શન મેપિંગ વિકસાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા રાણી ઉદયમતિની પ્રેરણાદાયી ગાથા તેમજ આપણા પૂર્વજોની પ્રાચીન જળ વ્યવસ્થાપન પદ્ધતિ અને સ્થાપત્ય કળાનો વૈભવ આધુનિક ટેકનોલોજી દ્વારા સાક્ષાત્કાર પામશે.
આ સાથે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે અંદાજિત રૂ. 25 કરોડના ખર્ચે વોટર સ્ક્રીન પ્રોજેક્શન શો વિકસાવવામાં આવ્યો છે. સદીઓ પહેલાં અહીં અસ્તિત્વમાં રહેલી જળ સંચય-સંરક્ષણની પદ્ધતિઓ અને વડનગરના ગૌરવશાળી ઇતિહાસને પાણીની સપાટી પર લાઇટ અને સાઉન્ડના સમન્વય સાથે રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શન આપણા પૂર્વજોની વૈજ્ઞાનિક દૃષ્ટિ અને એન્જિનિયરિંગ કુશળતાનો એક ગૌરવપૂર્ણ અનુભવ પૂરો પાડશે.
આ ઉપરાંત, બનાસકાંઠા જિલ્લામાં આવેલું બાલારામ મહાદેવ સ્થાન પ્રાચીન ઇતિહાસ, આધ્યાત્મિકતા અને કુદરતી સૌંદર્યનું અનોખું સંગમ છે. મહાભારત સમય સાથે જોડાયેલી લોકમાન્યતાઓ આ સ્થળને વિશેષ પવિત્રતા આપે છે. અહીં તથા નજીક આવેલા વિશ્વેશ્વર મહાદેવ સ્થળોના સર્વાંગી વિકાસ માટે આશરે રૂ. 25 કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ઘાટ, ફૂડ કિયોસ્ક, પાર્કિંગ, પ્રવેશ દ્વાર, માર્ગ વ્યવસ્થા, ગઝીબો અને અન્ય જરૂરી સુવિધાઓ વિકસાવાઈ છે.
આ ત્રણેય પ્રોજેક્ટનું ઈ- લોકાર્પણ અને ખાતમુહૂર્ત પીએમ મોદી વાવ થરાદથી કરશે.
