પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ અંતર્ગત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં નિરંતર વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે પસંદ કરાયેલા 7000 પૈકી 5233 વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારી અદ્યતન કરવાની સાથે વીજચોરી ઘટાડવા, શોર્ટ સર્કિટનું જોખમ ઘટે તેમજ પવન અને વૃક્ષની ડાળીથી થતા વીજ ઘર્ષણને કારણે આવતા ફોલ્ટ નિવારવા સૌરાષ્ટ્ર -કચ્છમાં 27000 કિલોમીટર વિસ્તારમાં એરિયલ બેન્ચ કેબલ નાખવામાં આવી રહ્યા છે.
ભારત સરકાર દ્વારા આરડીએસએસ એટલે કે, રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ શરૂ કરાયેલ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય નાણાકીય રીતે ટકાઉ અને કાર્યક્ષમ વીજ વિતરણ વ્યવસ્થા દ્વારા ગ્રાહકોને વીજ પુરવઠાની ગુણવત્તા અને વિશ્વસનીયતામાં સુધારો કરવાનો છે. જે અંતર્ગત રાજ્યની સૌથી મોટી ગણાતી પીજીવીસીએલ એટલે કે, પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા રૂપિયા 50 કરોડના ખર્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના 7000 વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતામાં વધારો કરવા નક્કી કરવામાં આવ્યું હતું જે અંતર્ગત હાલમાં 5233 વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતામાં વધારો કરી અદ્યતન કરી દેવામાં આવ્યા છે.વધુમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચોરીનું પ્રમાણ ઘટાડવા તેમજ વૃક્ષની ડાળીઓના ઘર્ષણને કારણે આવતા વીજ ફોલ્ટ નિવારવા અંતે એરિયલ બેન્ચ કેબલ નાખવાની કામગીરી પણ પુરજોશમાં કરવામાં આવી રહી છે.