શેરબજારમાં રોકાણ કરતાં લોકો ચેતજો !! રાજકોટમાં શેરબજારમાં રોકાણ કરવાના નામે ઉદ્યોગપતિના પુત્રએ ગુમાવી મસમોટી રકમ
પોલીસના લાખ પ્રયત્ન છતાં સાયબર માફિયાઓ અટકવાનું નામ ન લઈ રહ્યા હોય તેવી રીતે એક બાદ એક છેતરપિંડીને અંજામ આપી રહ્યા છે. આવી જ એક મસમોટી છેતરપિંડી રાજકોટના ઉદ્યોગપતિના પુત્ર સાથે થતાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અતુલ એન્ટરપ્રાઈઝના માલિક જયંતીભાઈ ચાંદ્રાના પુત્ર કૃણાલ ચાંદ્રા સાથે સાયબર ગઠિયાઓએ ૯૬ લાખનું ચીટિંગ કર્યાની ફરિયાદ નોંધાતાં પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી.
આ અંગે કૃણાલ જયંતીભાઈ ચાંદ્રા (ઉ.વ.૪૦, રહે.રોયલ ઓર્ચીડ, એરપોર્ટ રોડ, પેટ્રિયા હોટેલ સામે)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ નવાગામ ખાતે અતુલ એન્ટરપ્રાઈઝના નામે મારૂતિ કંપનીના ઓટોપાર્ટસના વેરહાઉસનું સંચાલન કરે છે.
દરમિયાન ગત ૨૭-૧૧-૨૦૨૪ના તેઓ ઈન્સ્ટાગ્રામમાં શેરબજારમાં રોકાણ અંગેની રિલ્સ જોતા હતા તે દરમિયાન ‘એક્સટીબી ગ્લોબલ લિમિટેડ’ નામની ઈન્વેસ્ટમેન્ટ કંપનીની જાહેરાત જોઈ તેમાં આપેલી લીન્ક ઉપર ક્લિક કરતાં કંપનીની વેબસાઈટ ખુલી ગઈ હતી. વેબસાઈટ ખુલતાંની સાથે જ એક વ્યક્તિનો રજિસ્ટ્રેશન માટે ફોન આવ્યો હતો. ફોન કરનારે કૃણાલ ચાંદ્રા પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ, ઈ-મેઈલ સહિતની માહિતી મેળવી વેબસાઈટ ઉપર રજિસ્ટ્રેશન કર્યું હતું.
કૃણાલે ૨૦,૦૦૦નું રોકાણ કર્યા બાદ વેબસાઈટ ઉપર ઈન્દ્ર-3 ટ્રેડિંગની ટીપ્સ આપવામાં આવતી હતી જેના આધારે ટ્રેડિંગ કરવાને લીધે સારો એવો નફો થઈ રહ્યાનું વેબસાઈટ ઉપર જોવા મળતું હતું.
આ પછી કૃણાલે ટ્રેડિંગ કર્યા બાદ ત્રણ હજાર રૂપિયા ઉપાડયા હતા જે રકમ તેના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ હતી. જો કે બાકીની રકમ ઉપાડવા જતાં સાયબર ઠગોએ આરબીઆઈના નિયમ પ્રમાણે ટેક્સ ભરપાઈ કરવાનું કહેતાં કુણાલે કટકે કટકે કરીને ૯૬,૯૭,૭૪૦ રૂપિયા ભરી દીધા હતા.
આટલી રકમ આપ્યા બાદ એક પૈસો પણ પરત મળ્યો ન્હોતો અને ઉપર જતાં વધુ પૈસાની માંગણી કરાતાં પોતે છેતરાયો હોવાનો અહેસાસ થયો હતો. કૃણાલે ૯૬ લાખ જેવી માતબર રકમ અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર આપી હતી.