અમરેલી, વલસાડ પંથકમાં વરસાદથી લોકોને ગરમીમાં મળી આંશિક રાહત
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં વરસ્યો પ્રી-મોન્સુન વરસાદ
રાજ્યમાં હવે ચોમાસાને આડે થોડાક દિવસો જ બાકી રહ્યા છે. તેવામાં પ્રી-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. રવિવારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે પ્રમાણે અમરેલી અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને છેલ્લા બે દિવસથી દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. રવિવારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસ્યો હતો. જેમાં અમરેલીના ખાંભા ગીર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગીરના ગામડાઓમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તો બીજી તરફ ખાંભા શહેરમાં પણ અસહ્ય ગરમી અને ઉકલાટ બાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો. ખાંભાના નાનુડી, ઉમારીયા, તાતણિયા બોરાળા, ધાવડીયા સહિતના ગામોમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાં રાહત મળી હતી.
અમરેલી ઉપરાંત વલસાડના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. વલસાડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી હતી.