રાજકોટની રૈયા ચોકડીથી માધાપર ચોકડી સુધીની અનેક સોસાયટીમાં ટીવી-ઈન્ટરનેટ ઠપ્પ થતાં લોકો પરેશાન, લટકતા વાયરો પર તંત્રએ ફેરવી કાતર
રાજકોટ મહાપાલિકા દ્વારા ગત 16 ડિસેમ્બરે હુકમ બહાર પાડીને શહેરમાં મહાપાલિકાની મિલકત ઉપરાંત આડેધડ રીતે કેબલ કનેક્શન તેમજ બ્રોડબેન્ડ કનેક્શન માટે લટકાવી દેવાયેલા વાયરને દૂર કરવા હુકમ કરી કેબલ ઓપરેટર તેમજ બ્રોડબેન્ડ કંપનીઓને ચાર દિવસની મુદત આપવામાં આવી હતી. જો કે આ મુદત પૂર્ણ થયા બાદ હજુ પણ અનેક વિસ્તારમાં વિકરાળ મોઢું ખોલીને વાયરો લટકી રહ્યા હોવાથી તંત્રએ જ તેને દૂર કરવા અથવા કાપવાનું શરૂ કરતા તેની સીધી અસર ટીવી બંધ થઈ જવા અને ઈન્ટરનેટ ખોરવાઈ જવા જેવી પડી છે. એકંદરે રૈયા ચોકડીથી માધાપર ચોકડી સુધીની અનેક સોસાયટીમાં વાયર કટ થઈ જવાને કારણે દેકારો બોલી જવા પામ્યો હતો.
આગામી 11 અને 12 જાન્યુઆરીએ વાયબ્રન્ટ સમિટના આયોજનને લઈને તંત્રમાં જબરદસ્ત દોડાદોડી જોવા મળી રહી છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવાનું છે તે પૂર્વે રોડ-શો પણ રૈયા રોડ વિસ્તારમાંથી પસાર થવાનો હોય તે રસ્તાને નવોઢાની જેમ શણગાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સેન્ટ્રલ લાઈટિંગ પોલ (થાંભલા) પરથી કેબલ તેમજ બ્રોડબેન્ડ કંપનીઓ દ્વારા વાયર લંબાવીને જે-તે સોસાયટી તેમજ ઘર સુધી કનેક્શન આપી દીધું હોય રૈયા રોડથી લઈ માધાપર ચોકડી સુધીના ચાર કિલોમીટરના વિસ્તારમાં અનેક ઠેકાણે વાયરના ગુંચડા જોવા મળી રહ્યા હોય મહાપાલિકાએ તાત્કાલિક તેને દૂર કર્યા હતા. વળી, થોડા દિવસ પહેલાં લટકતાં વાયરને કારણે એક યુવકનો અકસ્માત પણ થયો હોય તેણે મ્યુનિ.કમિશનરને લેખિત ફરિયાદ કરતા જ આ વાયર દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. એકંદરે બ્રોડબેન્ડ કંપની અને કેબલ ઓપરેટરો દ્વારા મંજૂરી લીધા વગર જ વાયર લંબાવી દીધા હોવાને કારણે મહાપાલિકાએ તેને કટ કરી નાખ્યા છે જેનો ભોગ અત્યારે ઘર-ઓફિસધારકોએ બનવું પડ્યું છે.
આ પણ વાંચો :રાજકોટમાં યોજાશે વડાપ્રધાન મોદીનો રોડ શો : 11મી જાન્યુ.એ બપોરે 2:40 વાગ્યે મારવાડી યુનિ.એ પહોંચશે,કલેક્ટર કચેરીમાં બેઠકનો ધમધમાટ
જ્યાં સુધી અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ ન કરે ત્યાં સુધી મંજૂરી નહીં
આ અંગે મહાપાલિકાની રોશની શાખાના એડિશનલ સિટી ઈજનેર બી.ડી. જીવાણીનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે ઉપરોક્ત વિસ્તારોમાં મંજૂરી વગર લટકાવી દેવાયેલા કેબલને કાપી નાખવામાં આવ્યા છે ત્યારે બ્રોડબેન્ડ કંપનીઓ તેમજ કેબલ ઓપરેટરોએ હવે નવેસરથી વાયર બીછાવવા માટે મહાપાલિકાની મંજૂરી લેવી પડશે. જો કે આ મંજૂરી તેને અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ કરવાની બાહેંધરી બાદ જ આપવામાં આવશે.
