પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા: મોડીરાત્રે જ્વેલર્સની દુકાનના તૂટ્યા તાળાં
દેવપરા શાક માર્કેટ સામે અંબિકા જ્વેલર્સમાં તસ્કરોનો હાથફેરો
એક બાજુ પોલીસ ૧૦૦ કલાકમાં ગુનેગારોની યાદી તૈયાર કરી તેમના ગેરકાયદે મકાનો-વીજ કનેક્શન કાપી રહી છે. આ યાદીમાં અનેક રીઢા તસ્કરો પણ સામેલ છે જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અથવા કરવામાં આવશે પરંતુ આ કાર્યવાહીથી તસ્કરોને કશો જ ફરક પડતો હોય તેવું લાગી રહ્યું નથી સાથે સાથે પોલીસના `કહેવાતા’ પેટ્રોલિંગના પણ ધજાગરા ઉડી રહ્યા હોય તેવી રીતે મધરાત્રે જ્વેલર્સની દુકાનના તાળાં તોડી તસ્કરો તેમાં હાથફેરો કરી ગયો હોવાનું બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
કોઠારિયા મેઈન રોડ પર દેવપરા શાક માર્કેટ સામે પંચમુખી હોટેલની બાજુમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાન ધરાવતાં સંજયભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત ૨૨ માર્ચે પંચમુખી હોટેલના માલિક અશોકસિંહ જાડેજાનો ફોન આવ્યો હતો કે તેમની દુકાનના તાળા તૂટ્યા છે. આ પછી સંજયભાઈએ દુકાન પર જઈને જોયું તો તસ્કરો લોક તોડી અડધું શટર ઉંચકાવીને ડિસ્પ્લે કાઉન્ટરમાં રાખેલા ૪૯૦૦૦ની કિંમતના નાના-મોટા ઘરેણા ચોરી કરીને લઈ ગયા હતા. અત્રે એ નોંધવું જરૂરી છે કે જ્યારે આ ચોરી થઈ એ દિવસે પંચમુખી હોટેલ રાત્રે ૨:૫૦ વાગ્યા સુધી ખુલ્લી હતી ત્યારે તસ્કરો આવ્યા ન્હોતા એટલે ૨:૫૦થી લઈ સવારે ૬ વાગ્યા દરમિયાન આ ચોરી થયાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. આ ચોરીને મોઢે બુકાની બાંધીને આવેલા બે તસ્કરોએ અંજામ આપ્યો હોવાનું જોવા મળતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી.