પાટીદારોએ મગજ કેમ શાંત રાખવું એ જૈનો પાસેથી શીખવું જોઈએઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
રાજકોટની ભાગોળે કણકોટ ખાતે 40 હજાર વાર જગ્યામાં રૂા.100 કરોડથી વધુના ખર્ચે સરદારધામનું નિર્માણ થઈ રહ્યું છે જેનો ભૂમિપૂજન કાર્યક્રમ રવિવારે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના દિગ્ગજોએ હાજરી આપી સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે પાટીદારોએ મગજ કેમ શાંત રાખવું એ જૈનો પાસેથી શીખવું જોઈએ. આ વાતનો સંદર્ભ આપતાં તેમણે ઉમેર્યું કે પાટીદાર સમાજ એક લેવલ મતલબ કે સ્તર ઉપર પહોંચી ગયો છે જેના કારણે ઘણીવાર એમ લાગતું હોય છે કે હવે શીખવાની જરૂર ક્યાં છે એટલા માટે જ મગજ ફરતું રહે છે પરંતુ મગજ શાંત રાખવું પણ એટલું જ જરૂરી હોય આ વાત જૈન સમાજ પાસેથી શીખવી જોઈએ.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આપણે સૌ સરદારના વંશજ છીએ. સરદારધામના રૂપમાં જે વડ વાવ્યું છે તેનો છાંયડો આવનારી પેઢી મેળવશે. આ જે ઉમદા કાર્ય થઈ રહ્યું છે તેનું ઉજળું પરિણામ પણ મળવાનું છે. સરદારધામનો જે કાર્યક્રમ હોય તેમાં સમય કાઢીને પણ અમે જઈએ જ છીએ. સરદારધામ કેટલું ફળદાયી નિવડશે તેનો ખ્યાલ આપણે સમારોહમાં બેઠા બેઠા નહીં આવે પરંતુ આ કેટલું મોટું કામ છે તેનો ખ્યાલ ધામ નિર્માણ પામી ગયા બાદ જ આવશે.

પાટીદાર સમાજ અત્યારે એવા સ્તર ઉપર પહોંચી ગયો છે કે જેમાંથી અન્ય સમાજ પણ પ્રેરણા લઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ સાથે સાથે એમ પણ જણાવ્યું કે દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે એટલા માટે જ જ્ઞાન પીરસવા માટે સરદારધામનું નિર્માણ થઈ રહ્યું છે.
આ કાર્યક્રમ હોટેલ રીજન્સી લગૂન ખાતે યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સરદારધામના પ્રણેતા ગગજીભાઈ સુતરીયા, ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી, ઉદય કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડૉ.દર્શિતાબેન શાહ, દુર્લભજીભાઈ દેથરિયા, મહેન્દ્રભાઈ પાડલિયા ઉપરાંત ઉદ્યોગપતિઓ પ્રકાશભાઈ વરમોરા સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : હાય રે કળિયુગ! ‘રાજકોટમાં પિતા જ બન્યો હેવાન’,છ મહિના સુધી 12 વર્ષની પુત્રીનો દેહ પીંખ્યો

પાટીદાર સમાજ હવે મહાજન બની રહ્યો છે, ગગજીભાઈનો સંકલ્પ 100% પૂર્ણ થશેઃ માંડવિયા
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પાટીદાર સમાજ હવે મહાજન બની રહ્યો છે અને મહાજન હંમેશા સરકારની સાથે રહ્યા છે. ગગજીભાઈ સુતરીયાએ સરદારધામના નિર્માણનો જે સંકલ્પ લીધો છે તે 2026માં અવશ્યપણે પૂર્ણ થશે. આ ઉમદા કાર્યમાં સમાજ તેમની સાથે ઉભો રહેશે કેમ કે તેઓ દિલથી કામ કરી રહ્યા છે. અહીં 10,000 દીકરા-દીકરી અભ્યાસ કરશે, રહેશે અને સરકારી નોકરી મેળવશે તેનાથી ઉમદા કાર્ય બીજુ શું હોઈ શકે ? મને વિશ્વાસ છે કે દાનની રકમ પણ ભેગી થઈ જશે.
આ પણ વાંચો : 2 દિવસમાં 2 મંદિરમાં નાસભાગ : હરિદ્વારમાં 8 શ્રદ્ધાળુના મોત, યુપીમાં ઔસાનેશ્વર મંદિરમાં 2નાં ઘટનાસ્થળે જ મોત

25 લાખથી લઈ પાંચ કરોડ સુધીના દાનનો ધોધ વહ્યો
સરદારધામના નિર્માણ માટે પાટીદાર સમાજશ્રેષ્ઠીઓએ દાનનો ધોધ પણ વહાવી દીધો હતો જેમાં ૨૫ લાખથી લઈ પાંચ કરોડ સુધીનું દાન મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરદારધામના નિર્માણનું કાર્ય બે તબક્કામાં થશે જેમાં 500 યુવક માટે કુમાર છાત્રાલય તો 500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય ઉપરાંત 168 રૂમ સહિતની તમામ પ્રકારની સુવિધા અહીં ઉપસ્થિત કરવામાં આવશે.
