રાજકોટ એરપોર્ટની સુવિધાઓ પેસેન્જરોને નથી પસંદ! કસ્ટમર સર્વેમાં 31માં રેન્ક પર, ગુજરાતનું આ એરપોર્ટ છે નંબર 1 પર
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની સુવિધાઓ પેસેન્જરોને પસંદ ન પડી હોય તેમ તાજેતરમાં કસ્ટમર સેટિસ્ફેક્શન સર્વે હાથ ધરાયો હતો જેમાં રાજકોટ એરપોર્ટ 27 માં સ્થાન પરથી નીચે ઉતરી 31માં સ્થાને આવી ગયું છે. દેશનાં 62 એરપોર્ટનાં સર્વેમાં જામનગર એરપોર્ટ 11 ક્રમે, સુરત 12માં સ્થાને, ભાવનગર 15માં કેશોદ 27,ભુજ 30 અને રાજકોટ 31 માં ક્રમ પર છે.

વર્ષ 2023માં રાજકોટ એરપોર્ટ 19 માં સ્થાન પર હતું ત્યારબાદ 2024 માં 27 માં સ્થાને આ સમયે 4.83 ઇન્ડેક્સ રહ્યો હતો. જ્યારે આ વર્ષે 2025માં -0.53 સાથે 4.30 માર્ક્સ મેળવ્યા છે. ઉદેપુર એરપોર્ટ આ વર્ષે પાંચ માર્ક સાથે પેસેન્જરોને સુવિધા પૂરી પાડવામાં નંબર 1 રહ્યું છે.

ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયા તેને પણ ત્રણ વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે જોકે હજુ સુધી ડોમેસ્ટિક ફલાઇટ ઉડાન ભરે છે. એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થઈ નથી. જ્યારે છેલ્લા ત્રણ મહિનાથી 24 કલાક રાજકોટનું એરપોર્ટ ધમધમી રહ્યું છે. એરપોર્ટ પર મુખ્યત્વે પાણી, મોબાઈલ કનેક્ટિવિટી સહિતના અનેક પ્રશ્ન વારંવાર ઊભા થાય છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશના 62 એરપોર્ટ પર પેસેન્જર્સ કેવી સુવિધાઓ મળે છે..? તે સગવડતાનનો સર્વે કરી તાજેતરમાં રિપોર્ટ જાહેર કર્યો છે.જેમાં રાજકોટ એરપોર્ટ પેસેન્જરોને સુવિધા આપવામાં ઉણું ઉતર્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દર છ મહિને આ પ્રકારનો સર્વે કરે છે જેમાં જુદી જુદી 33 પ્રકારની સુવિધાઓથી પેસેન્જરો ખુશ છે કે કેમ ? તે અંગેનો સર્વે કમિટી દ્વારા પેસેન્જરો પાસેથી અભિપ્રાય લેવામાં લાવે છે.

એરપોર્ટ પર મળતી આટલી સુવિધાઓ “રડાર”માં લેવાય છે
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગની પારાયણ: પરાણે રૂ.50 થી 80 નો ‘ચાંદલો’કરાવે છે, વિડીયો થયો વાયરલ
- એરપોર્ટ થી ટ્રાન્સપોર્ટેશન સુવિધા
- પાર્કિંગ અને બેગેજ ટ્રોલી સુવિધા
- ચેક ઇન માટેનો સમય
- સ્ટાફનું વર્તન
- ચેકિંગ પ્રક્રિયા
- ચેકીંગ માટેનો સમય
- ફલાઇટની જાણકારી આપતી સ્ક્રીન
- એરપોર્ટ પર બેંક, એટીએમની સુવિધા
- રેસ્ટોરન્ટ અને અન્ય ફૂડ કેન્ટીન
- ઇન્ટરનેટ અને વાઇફાઇની સુવિધા
- બિઝનેસ અને એક્ઝિક્યુટિવ લોનજ
- વોશરૂમની સુવિધા સાથે સ્વચ્છતા
- આ ઉપરાંત અનેક માપદંડને આધારે પેસેન્જરો પાસેથી તેમના મંતવ્યો લેવામાં આવે છે
રાજ્યમાં જામનગર એરપોર્ટ નંબર 1
ગુજરાતમાં ગયા વર્ષે ભાવનગર એરપોર્ટ નંબર વન સ્થાન પર ગયું હતું જ્યારે આ વર્ષે વર્ષ 2025 ના કસ્ટમર સર્વેમાં જામનગર એરપોર્ટએ 4.88 ઇન્ડેક્સ સાથે પ્રથમ સ્થાને છે.ત્યારબાદ સુરત 12,ભાવનગર 15,કેશોદ 27,ભુજ 30 માં સ્થાને છે.