આને કહેવાય પાક્કા ગુજરાતી : ભેગા મળીને 186 લક્ઝરી કાર ખરીદી અને 21 કરોડનું ડિસ્કાઉન્ટ મેળવ્યુ, વાંચો મજેદાર સ્ટોરી
ગુજરાતીઓ વેપારધંધામાં બહુ જ પાક્કા હોય છે એ વાત માત્ર ગુજરાતમાં કે દેશમાં જ નહી પરંતુ પરદેશમાં પણ સાબિત થઇ ચુકેલી છે અને મોટા મોટા નેતાઓ પણ આ વાત માને છે. ગુજરાતીઓની વેપારી બુદ્ધિના દર વખતે વખાણ થાય છે અને તેની સાબિતી આપતી ઘટના પણ બની છે. તાજેતરમાં જૈન સમુદાયના અનેક લોકોએ સંકલન કરીને એક સાથે દિવાળીની ખરીદી રૂપે 149.54 કરોડની કિંમતની 186 જેટલી લક્ઝરી કારની ખરીદી કરી છે અને તેના ઉપર ₹21.22કરોડ રૂપિયા જેટલુ જંગી ડિસ્કાઉન્ટ મેળવ્યું છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) ની એક પહેલ પર, દેશભરમાં ફેલાયેલા જૈન કોમ્યુનિટીના લોકોએ સંયુક્ત રીતે 186લક્ઝરી કાર છે. આ કારની કિંમત ₹60 લાખથી ₹1.34 કરોડ સુધીની હતી. આ સામૂહિક ખરીદીને પરિણામે ₹21.22 કરોડ રૂપિયાનું જંગી ડિસ્કાઉન્ટ મળ્યુ છે.
દેશભરમાં 65,000 સભ્યો ધરાવતા JITO એ આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે Audi, BMW અને Mercedes જેવી ૧૫ મોટી બ્રાન્ડના ડીલરો સાથે ચર્ચા કરી હતી. JITOના વાઇસ-ચેરમેન હિમાંશુ શાહે જણાવ્યું હતું કે જ્યારે આટલા બધા લોકો એકસાથે ખરીદી કરતા હોય ત્યારે સ્વભાવિક છે કે બાર્ગેનિંગ પાવર વધી જાય. કંપનીને પણ સેલ્સ વધે છે અને માર્કેટિંગ ખર્ચ ઘટે છે. આ કારણોસર ગ્રાહકને ડિસ્કાઉન્ટ પણ સારું મળે છે અને ફાયદો થાય છે.
જે રીતે કારની સામુહિક ખરીદીમાં ડિસ્કાઉન્ટ મળ્યુ અને બધાને લાભ થયો તે જોતા હવે ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને જ્વેલરી જેવા અન્ય ક્ષેત્રોમાં પણ આવુ જ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સિવાય વ્યવસાય માટે મશીનની ખરીદી માટે પણ આ જ માપદંડ અપનાવવાની યોજના છે.
એક વાત મહત્વની એ છે કે, આ પ્રકારની એકતા ફક્ત જૈન સમુદાયમાં જ છે એવું નથી પરંતુ ભરવાડ સમુદાયે પણ આ પદ્ધતિ અપનાવી છે. ગુજરાતના ભરવાડ યુવા સંગઠને સમુદાયના યુવાનોને સ્વરોજગાર શરૂ કરવામાં મદદ કરવા માટે 121 JCB મશીનોનો ઓર્ડર આપ્યો હતો. તેમને પ્રતિ મશીન સરેરાશ ₹3.3 લાખનું ડિસ્કાઉન્ટ મળ્યું, જેના પરિણામે કુલ ₹4 કરોડની બચત થઈ છે.
