આવતીકાલથી પાકિસ્તાનના ફરી ઉજાગરા શરૂ: ગુજરાતનાં સરક્રિકથી જેસલમેર સુધી સેનાની ત્રણેય પાંખો કરશે યુધ્ધ અભ્યાસ
દેશના ત્રણેય સશસ્ત્ર દળો 30 ઓક્ટોબરે ગુરુવારથી પશ્ચિમ સરહદ પર ત્રિશૂલ કવાયત સંયુક્ત રીતે શરૂ કરશે. ભારતીય સેના આ કવાયત માટે વ્યાપક તૈયારીઓ કરી ચૂકી છે. ભારતે ત્રિશૂલ કવાયત માટે હવાઈ મિશનને સૂચના જારી કરી દીધી છે. ભારતના આ કવાયતથી પાકિસ્તાનમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે અને અસીમ મુનીરની સેનામાં ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાને પોતાની બધી જ એર સ્પેસ બંધ કરી દીધી છે. જેસલમેરથી ગુજરાતનાં સરક્રિક સુધી કવાયત થવાની છે.
ભારતીય લશ્કરી કવાયતથી પાકિસ્તાન એટલું ગભરાયું છે કે તેણે નોટમનો વ્યાપ વધારી દીધો છે. પાકિસ્તાનનું આ પગલું તેના નૌકાદળના વડાની સર ક્રીક વિસ્તારની મુલાકાત પછી આવ્યું છે. ઇસ્લામાબાદે 28 અને 29 ઓક્ટોબર માટે નૉટમ જારી કર્યું હતું.
ત્રિશૂલ કવાયતમાં સેના, વાયુસેના અને નૌકાદળના 30,000 સૈનિકો ભાગ લેશે. આ કવાયત 30 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી ચાલશે. આ કવાયત રાજસ્થાનના જેસલમેરથી ગુજરાતના સર ક્રીક સુધી યોજાશે.
નોંધનીય છે કે પાકિસ્તાનના નૌકાદળના વડાએ તાજેતરમાં સર ક્રીકની મુલાકાત લીધી હતી અને સૈન્યની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ મહિનાની શરૂઆતમાં, ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સર ક્રીક વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાં સૈનિકો સાથે મુલાકાત કરી હતી. તે સમયે, સંરક્ષણ પ્રધાને સર ક્રીક ક્ષેત્રમાં પાકિસ્તાનની કાર્યવાહી અંગે કડક ચેતવણી આપી હતી.
