‘ઓપરેશન જંગલેશ્વર’! રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન શરૂ: બે કરોડથી વધુના ખર્ચે 1000 કરોડની જગ્યા ખુલ્લી કરાશે
આજે સોમવારથી રાજકોટ મહાપાલિકા દ્વારા ‘ઓપરેશન જંગલેશ્વર’ શરૂ કરી 87000 ચોરસ મીટર જગ્યા પરથી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી પાછળ 2 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થવાનો છે, જે પ્રજાના ટેક્સના પૈસામાંથી જ ચૂકવવામાં આવશે. મહાપાલિકા દ્વારા વિવિધ સાધન-સરંજામ ભાડે લેવામાં આવ્યા છે, જે ખૂબ જ ખર્ચાળ છે. તેમ છતાં, આ કાર્યવાહી દ્વારા 100 કરોડ રૂપિયાથી વધુ કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવી રહી છે.
રાજકોટ જ નહીં આખા ગુજરાતની નજર જંગલેશ્વર તરફ
રાજકોટના અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં જેની ગણતરી થાય છે તે જંગલેશ્વરમાં આજી નદીનો પટ તેમજ ટાઉન પ્લાનિંગના રોડ ઉપર થઈ ગયેલા દબાણ ઉપર આજે સવારથી બૂલડોઝર ફરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી થવાની છે તેના પાંચેક દિવસ પહેલાં જ તંત્ર દ્વારા દબાણકર્તાઓને જાણકારી આપી દેવામાં આવી હોવાથી રવિવાર સુધીમાં 50%થી વધુ લોકોએ જાતે જ ઘર ખાલી કરી નાખ્યું અથવા તો દબાણ તોડી પાડયું હોવાથી તંત્રનું કામ ખૂબ જ હળવું થઈ ગયું હતું. હવે જે દબાણ બાકી રહ્યા છે તેને તોડવા માટે મહાપાલિકા ‘સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જંગલેશ્વર વિસ્તારમાં 7 ઝોનમાં વહેંચીને તોડકામની કામગીરી શરૂ
રાજકોટ મહાનગરપાલિકાનું ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન આજથી શરૂ કરવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં 7 ઝોનમાં વહેંચીને તોડકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. 260થી વધુ મશીનો સાથે મેદાને મનપા, 64 JCB અને 90 ટ્રેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરક્ષા માટે 2500થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. 4 DCP, 8 DySP સહિત ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે. 25 ડ્રોન કેમેરા અને 30 CCTVથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. કંટ્રોલ રૂમથી પોલીસ કમિશનર દ્વારા અને મ્યુ. કમિશનર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. શહેરભરમાં તંગદિલી વચ્ચે શાંતિ જાળવવા પોલીસની અપીલ કરવામાં આવી છે.
જંગલેશ્વર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો
સ્થિતિ ન વણસે તે માટે જંગલેશ્વર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને અધિકારીઓ સવાર-બપોર-સાંજ અહીં ફૂટ પેટ્રોલિંગ ઉપરાંત ચાંપતો બંદોબસ્ત રાખી રહ્યા હોય ડિમોલિશન એકદમ શાંતિપૂર્વક રીતે જ સંપન્ન થશે તેવું હાલ તો સ્થિતિ પરથી લાગી રહ્યું છે. રવિવાર રાત સુધીમાં અંદાજે 60 થી 70% લોકોએ જગ્યા દબાણમુક્ત કરી દીધી હોવાથી તંત્રએ માત્ર 30 થી 40% દબાણો ઉપર જ બૂલડોઝર ફેરવવું પડશે એટલા માટે ડિમોલિશન પણ કદાચ બે કે ત્રણ દિવસમાં પૂર્ણ જાહેર કરવામાં આવશે.
લોકોએ પોતાના ઘરને હાથેથી જ હથોડા મારી જગ્યા દબાણમુક્ત કરી
તંત્ર દ્વારા દબાણકર્તાઓને આગોતરી જાણ કરી દેવામાં આવી હતી કે સોમવારે સવારથી બૂલડોઝરની ધણધણાટી શરૂ થઈ જશે આમ છતાં અમુક લોકોને એમ લાગી રહ્યું હતું કે છેલ્લી ઘડીએ ડિમોલિશનને અટકાવતો કોઈ ‘રસ્તો’ નીકળી જશે પરંતુ એવું ન બનતાં ‘હવે ઘર કે દબાણ તૂટતાં કોઈ નહીં બચાવી શકે તેવું પામી જઈને લોકોએ હાથેથી જ હથોડા મારવાનું શરૂ કરી દઈ જગ્યા દબાણમુક્ત કરી દીધી હતી.
મહાપાલિકાએ ડિમોલિશન માટે 64થી વધુ જેસીબી ભાડે લીધા
મહાપાલિકાએ આ ડિમોલિશન માટે કુલ 64થી વધુ જેસીબી ભાડે લીધા છે, જેમાં એક જેસીબીનું એક દિવસનું ભાડું 8000 રૂપિયા છે. આ મુજબ પ્રતિદિવસ જેસીબીના જ 5.12 લાખ રૂપિયાનું ચૂકવણું કરાશે. ઉપરાંત 84 ટ્રેક્ટર ભાડે લેવામાં આવ્યા છે, જેમાં એક ટ્રેક્ટરનું ભાડું 5000 રૂપિયા છે. આ મુજબ પ્રતિદિવસ ટ્રેક્ટર માટે 4.20 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.
તેમજ 7 હિટાચી મશીન ભાડે લેવામાં આવી છે, જેમાં એક મશીનનું એક દિવસનું ભાડું 20000 રૂપિયા છે, એટલે એક દિવસના કુલ 1.40 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.
50 ટ્રેક્ટર બ્રેકર, 42 ગેસ કટર, 14 ડમ્પર સહિતના સાધનો ભાડે
આ ઉપરાંત 50 ટ્રેક્ટર બ્રેકર, 42 ગેસ કટર, 14 ડમ્પર સહિતના સાધનો ભાડે લેવામાં આવ્યા છે. સાથે સાથે લગભગ 200 મજૂરોને તૈનાત કરવામાં આવશે અને દરેક મજૂરને એક દિવસના 350 રૂપિયા મજૂરી ચૂકવવામાં આવશે. આ ડિમોલિશન ગુરૂવાર સુધી ચાલશે અને ત્યાં સુધીમાં તંત્રનો કુલ ખર્ચ 2 કરોડને પાર થઈ શકે તેવી શક્યતા અધિકારી સૂત્રોએ વ્યક્ત કરી છે.
જમીનની કિંમત ટાઉન પ્લાનિંગ રોડ પરના બજારભાવ પ્રમાણે આંકવામાં આવી છે. અહીં અંદાજે 25000 રૂપિયા પ્રતિ વારનો બજાર ભાવ છે. કુલ 87000 ચોરસ મીટર જમીનમાંથી 32000 ચોરસ મીટર (લગભગ 38000 વાર) માટે જો બજારભાવ મુજબ ગણતરી કરીએ તો તેની કિંમત આશરે 100 કરોડ રૂપિયા જેટલી થાય છે.
જ્યારે આજી નદીના પટમાં 55000 ચોરસ મીટર જમીન પર દબાણ છે, પરંતુ તેની કિંમતનો સચોટ અંદાજ હાલ તંત્ર માટે શક્ય નથી, તેથી હાલ માત્ર ટાઉન પ્લાનિંગ રોડ ઉપરની જમીનની જ ગણતરી કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા જણાવાયું છે કે ડિમોલિશન પૂર્ણ થતા જ અહીં રોડ પહોળો કરીને 50 ફૂટનો બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય પ્રોજેક્ટનું કામ પણ તાત્કાલિક શરૂ કરવામાં આવશે.
