આરોપીને સજા થાય તો જ ગુનાનો સાચો ભેદ ઉકેલાયો ગણાય – DCP પ્રદીપસિંહ જાડેજા
કોઈ ગુનો બને એટલે પોલીસ દ્વારા તાત્કાલિક એ ગુનાનો ભેદ ઉકેલી આરોપી સુધી પહોંચવા માટે પૂરી તાકાત લગાવી દેવામાં આવે છે અને મહદ અંશે ગુનાનો ભેદ ઉકેલાઈ પણ જાય છે પરંતુ ગુજરાતમાં અનેક એવા પોલીસ અધિકારીઓ છે જેમને ગુનાનો ભેદ ઉકેલવાની સાથે જ તેમાં સંડોવાયેલા આરોપીને કડક સજા થાય તેની ખેવના પણ રહેતી હોય છે.
આવા જ એક પોલીસ અધિકારી કે જેઓ હાલ અમદાવાદના જે-ડિવિઝન વિસ્તારમાં ડીસીપી તરીકે કાર્યરત છે તેવા પ્રદીપસિંહ જાડેજા છે જેમણે પોતાના ફરજકાળ દરમિયાન ગુનેગારોને પકડવાની સાથે જ જેલસજા પણ કરાવી છે ત્યારે તેમના કાર્યકાળમાં બનેલા ગુનાના આરોપી વિરુદ્ધ ૧૫ વર્ષે કોર્ટે ચુકાદો આપીને પાંચ વર્ષની જેલ સજા ફટકારી હતી.
આ પણ વાંચો : રાજકોટના ‘સ્વચ્છતાનાં સારથી’ ઓના હસ્તે ખુલ્લું મુકાયું ‘વોઇસ ઓફ ડે’ લાયન સર્કલ
2010ની 19 જૂલાઈએ નિર્મળનગર વિસ્તારમાં આવેલા માધવરત્ન બિલ્ડિંગના પાર્કિંગમાં હિરાના વેપારી કલ્પેશ ઘોરી ઉપર તેના જ મિત્ર કલ્પેશ ઉર્ફે દાઉદ નાનજીભાઈ જેતાણીએ તલવારથી હુમલો કરતાં કલ્પેશ ઘોરીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના વખતે હાલના ડીસીપી પ્રદીપસિંહ જાડેજા નિલમબાગ પોલીસ મથક ખાતે કાર્યરત હતા જ્યાં આ ગુનાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ ચાલવા ઉપર આવતા કોર્ટે કલ્પેશ ઉર્ફે દાઉદ જેતાણીને દોષિત ઠેરવી પાંચ વર્ષની જેલસજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદીપસિંહ જાડેજા દ્વારા અગાઉ પણ ભાવનગરમાં પોતાના કાર્યકાળ દરમિયાન ડબલ મર્ડર કેસ, પાલીતાણા મર્ડર કેસ, સરકારી હાટ મર્ડર, વિઠ્ઠલવાડીમાં હત્યાનો પ્રયાસ, ભૂપત નારણ આંગડિયા લૂંટ કરતી ગેંગ સહિતના ગંભીર ગુનાના ભેદ ઉકેલી અનેક કેસમાં આરોપીઓને સજા કરાવાઈ હતી. જ્યારે ભાવનગરના ડબલ મર્ડર કેસમાં તેમને કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો.