સિક્સ લેનની કામગીરી (બનતી ત્વરાએ) પૂરી કરાશે
વિધાનસભામાં રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે પુછેલા પ્રશ્નના જવાબમાં સરકારે ગોળ ગોળ જવાબ આપ્યો
બનતી ત્વરાની કોઈ વ્યાખ્યા ન આપી, ન ધારાસભ્યએ પૂછી
રાજકોટ-અમદાવાદ સિક્સ લેનની કામગીરી માત્ર બે ટકા જ બાકી હોવાનો દાવો
છેલ્લા સાત-સાત વર્ષથી રાજકોટ-અમદાવાદ સિક્સ લેનની કામગીરી ચાલી રહી છે અને બાકી રહેલા કામને લીધે રોજ હજારો વાહનચાલકોને સમસ્યા થઇ રહી છે ત્યારે ગુજરાત સરકારે વિધાનસભામાં આ કામની પ્રગતિને લઈને માહિતી આપી છે. સરકારનો દાવો છે કે આખા પ્રોજેક્ટની માત્ર બે ટકા કામગીરી જ બાકી છે અને તે પણ પ્રગતિ હેઠળ છે.
રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે વિધાનસભામાં પૂછ્યુ હતું કે, સિક્સ લેનની કામગીરી ક્યારે શરુ કરવામાં આવી અને હાલમાં ક્યા તબક્કે છે. વધુમાં આ કામગીરી ક્યારે પૂરી થશે. .આ સવાલના જવાબમાં મુખ્યમંત્રી વતી એવી જવાબ આપવામાં આવ્યો હતો કે, આ કામગીરી ૨૦૧૮માં શરુ થઇ છે અને ૧૯૩ કિલોમીટરની કામગીરી ભૌતિક રીતે પૂરી થઇ ગઈ છે. બાકીની કામગીરી પ્રગતિમાં છે. આ કામ બનતી ત્વરાએ પૂરું કરવામાં આવશે.
મંત્રીએ આ બનતી ત્વરા અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો અને ધારાસભ્યએ પણ પૂછવાનો પ્રયાસ કર્યો ન હતો. માત્ર ઓપચારિકતા પૂરી કરવા માટે પ્રશ્ન પૂછાયો હતો અને એ જ રીતે ટૂંકાક્ષરી જવાબ આપવામાં આવ્યો હતો.
વિધાનસભામાં અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિશે મુખ્યમંત્રી વતી વિગતો આપતા સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરવા માટે કુલ રૂ. ૩,૩૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. કુલ ૨૦૧.૩૩ કિ.મી. લાંબા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૈકી પ્રથમ તબક્કામાં હાથ ધરવામાં આવેલ ૧૯૭ કિ.મી.માંથી ૧૯૩ કિ.મી. એટલે કે ૯૮ ટકા કામગીરી ભૌતિક રીતે પૂર્ણ કરવામાં આવી છે.
મંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ-રાજકોટના છ માર્ગીયકરણ બાદ નાગરિકોના મુસાફરી સમયમા અંદાજે ૩૦ થી ૪૫ મિનિટ સુધીની બચત સાથે કુલ મુસાફરી સમય ઘટીને ૨.૩૨ કલાકનો થવાનો અંદાજ છે. જેના પરિણામે વાહનોના ઇંધણમાં અંદાજિત ૧૦ થી ૧૫ ટકા સુધીની બચત થશે.
આ પ્રોજેકટ વિશે વધુ માહિતી આપતા મંત્રીએ કહ્યું કે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલ ૩૮ ફલાયઓવર-અન્ડરપાસના સ્ટ્રકચરની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પૈકી ૩૪ ફલાયઓવર-અન્ડરપાસ સ્ટ્રકચરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ ૪ સ્ટ્રકચરની કામગીરી પ્રગતિ હેઠળ છે.
આ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરતા વારંવાર અકસ્માત થતા હોય તેવા બ્લેક સ્પોટના સ્થળે વર્ષ ર૦૧૯ની સાપેક્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ અકસ્માતમાં આશરે ૪૧ ટકાનો ધટાડો થયો છે. આ રસ્તા પર કુલ ૩૪ બ્લેક સ્પોટ હતા જે પૈકી હાલમાં કુલ ૩૧ બ્લેક સ્પોટનો નિકાલ કરવામાં આવ્યો છે અને બાકી ૩ જેટલા બ્લેક સ્પોટનો ઝડપથી નિકાલ કરાવમાં આવશે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.