વિશ્વ આરોગ્ય દિવસે જ રાજ્યના ઈન સર્વિસ તબીબો સીએલ ઉપર ઉતરી જશે : પડતર પ્રશ્નો અંગે લડત શરૂ કરી
ઈન સર્વિસ ડોક્ટરોએ સિનિયોરીટી, ટીકુ સહિતના પડતર પ્રશ્નો અંગે લડત શરૂ કરી
રાજકોટ : રાજ્યમાં વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા ઈન સર્વિસ ડોકટરો દ્વારા સિનિયોરીટી, ટીકુ, ઉચ્ચતર પગાર ધોરણ સહિતના પ્રશ્નોને લઇ આરોગ્ય વિભાગમાં આવેદનપત્ર સુપરત કર્યા બાદ મંગળવારે રાજકોટ સહિત રાજ્યભરમા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી સત્વરે પ્રશ્નો ઉકેલવા માંગ કરી છે અન્યથા આગામી તા. 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસે જ માસ સીએલ ઉપર ઉતરી જવા ચીમકી ઉચ્ચારવામા આવી છે.
રાજ્યના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા જીએમએસ ક્લાસ ૨ મેડિકલ ઓફિસર એસોસિએશન,ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર એસોસિએશન અને ઈએસઆઈએસના સંયુક્ત એસોસિએશન દ્વારા તબીબોના વણ ઉકેલ્યા વહીવટી પ્રશ્નો બાબતે ૨૦૨૨ ની શરૂઆતમાં સમગ્ર ગુજરાતના તબીબોએ આંદોલન કરી અનિશ્ચિત મુદતની હડતાલ પાડેલ હતી તે સમયે સરકાર સાથે સમાધાન થયેલ અને તમામ પ્રશ્નોનો ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે તેવી બાહેધરી આપેલ.તે પૈકીના મોટાભાગના પ્રશ્નોનોનો નિકાલ કરવામાં ન આવતા ફરી એક વખત લડત શરૂ કરી ગઈકાલે ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી મંગળવારે રાજ્યભરમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યા હતા.
વધુમાં ઈન સર્વિસ તબીબોએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૨,૨૦૧૪ અને ૨૦૧૬ માં જે તબીબોએ જીપીએસસી પરીક્ષા પાસ કરેલ છે અને તેમને ઉચ્ચતર પગારનો લાભ મળવાપાત્ર થયાને વર્ષો થઈ ગયા છે છતાંય ઉચ્ચતર પગારનો લાભ ન મળતા આર્થિક નુકસાન સહન કરવું પડે છે. સાથે જ તબીબોની સેવા સળંગ અંગે જે તે સમયે સમાધાન થયેલ તે વખતે સેવા સળંગ કરી આપવાની બાહેંધરી આપેલ હતી તેમાં મોટાભાગના તબીબોની સેવા સળંગ થયેલ નથી.દર વર્ષે તમામ કેડરમા સિનિયોરિટી લિસ્ટ બહાર પડતું હોય છે પરંતુ આરોગ્ય વિભાગમા ૨૦૧૬ પછી સિનિયોરિટી લિસ્ટ બહાર પડેલ નથી.
આ ઉપરાંત ડેન્ટલ તબીબી કેડરમાં ભરતી સમયેના નિયમો એક જ હોય છે મેડિકલ કોલેજમાં ભરતી થાય કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તો મેડિકલ કોલેજ વાળા ડેન્ટલ તબીબોને ટીકુ આપવામાં આવે છે અને તે જ નિયમોથી ભરતી થયેલ અને દુર્ગમ વિસ્તારમાં ફરજ બજાવતા ડેન્ટિસ્ટો જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર ફરજ કરે બજાવે છે તેમને ટીકુનો લાભ આપવામાં આવતો નથી. રજૂઆતના અંતે તબીબોના વહીવટી પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન આવે તો આગામી તારીખ ૭ એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસે સમગ્ર ગુજરાતમાં તબીબો માસ સીએલ ઉપર જશે તેવીચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.
