રાજકોટ પોલીસમાં અધિકારીઓ સુરક્ષિત : નાના કર્મીઓ પર જ લેવાય છે એકશન? જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટ શહેર પોલીસમાં જાણે નાના કર્મચારીઓ એલ.આર, કોન્સ્ટેબલ કે ASI. સુધીનાઓ માટે તો જાણે લટકતી તલવાર અથવા તો કોઇ પીઠબળ ન હોય એટલે હલકું લોહી હવાલદારનું માફક આવા નાના કર્મીઓ પર ગમે ત્યારે ગમે તેવા એકશન લેવાય જયારે ઉપરના અધિકારીઓ સુરક્ષિત રહેવા જેવા માહોલથી નાના કર્મીઓમાં અસુરક્ષા કે કચવાટની લાગણી હોવાની ચર્ચા છે. નાના સ્ટાફમાં થતાં ગણગણાટમાં હાઈકોર્ટ સુધી રાજકોટ પોલીસના બે પ્રકરણો પહોંચ્યા હતા જેમાં હાઇકોર્ટે અધિકારીઓ પર ફટકાર લગાવી હતી. એ સમયે જાણે હાઇકોર્ટ કે ગાંધીનગરને દેખાડવા પૂરતા સાઇડલાઇન કરી દેવાયેલા અધિકારીઓ અત્યારે કી પોસ્ટ જેવી જગ્યાઓ પર ફરજ પર તહેનાત છે.

રાજકોટ શહેર પોલીસમાં પ્ર.નગરનો 60 લાખનો વહિવટનો એક મામલો હાઈકોર્ટ સુધી ગાજ્યો હતો. એ સમયે ત્યાં PI બી.એમ.ઝણકાંટ પી.આઈ. હતા. હાઈકોર્ટ સુધી પહોંચેલા પ્રકરણમાં સ્થાનિકસ્તરે ફટાફટ એકશન લેવાયા જેમાં પ્ર.નગરના એક બે પોલીસ કર્મી ટ્રાફિક બ્રાંચમાં તો એકાદ હેડ કવાર્ટર કે આવા સાઇડલાઇન કરી દેવાયા હતા. પી.આઈ. સામે કાંઈ થયુ ન હતું. પી.આઇ. ટ્રાફિક બાદ ફરી સ્વતંત્ર ગણાતા એન્ટી હ્યૂમન ટ્રાફિકીંગ યુનિટ (AHTU) માં મુકાઈ ગયા કે આ યુનિટના અંડરમાં આવે છે. શહેરમાં સૌથી છૂપા દુષણરૂપ સ્પાના ચાલતા સેકસના સ્કેન્ડલને ડામવાની ફરજ તાજેતરમાં આવો એક કેસ થયો એ સારી વાત છે પણ શહેરમાં કદાચ 150 જેટલા સ્પા હશે.
બધા સ્પામાં સેકસ રેકેટ ચાલતા હોય એવુ પણ નથી પરંતુ મહત્તમમાં આવી બદી હોવાની જાહેર ચર્ચા જેવુ છે. આવી જ રીતે લાખો રૂપિયાના બે વેપારી વચ્ચેના નાણાંકીય મામલામાં જે તે વખતે ઇકોનોમિક ઓકેન્સ વીંગ (ઈ.ઓ.ડબલ્યુ.) દ્વારા એક વેપારીની ઓડી કાર શોરૂમમાંથી ઉઠાવી લેવાઇ હતી. જે પ્રકરણ હાઇકોર્ટમાં પહોંચ્યુ હતું. હાઇકોર્ટે ભારે ફટકાર લગાવી હતી કડક પગલા લેવા સૂચના આપી હતી. કોર્ટના તીખા તેવરને લઇને એ સમયના ઈ.ઓ. ડબલ્યુ.ના પી.આઈ. કૈલાને સી.પી. દ્વારા તાબડતોબ સાઇડલાઈન કરી દેવાયા હતા. જયારે પી.આઈ.ની કે ઉપરીની નજર બહાર તો કોઈ નાના કર્મીઓ કાંઈ કરી જ ન શકે એવા નાનાકર્મીઓને હેડ કવાર્ટરના દરવાજા દેખાડી દેવાયા. જે તે સમયે ઉપર રિપોર્ટ કરી દેવાયો હશે કે અમે એકશન લઇ લીધા. થોડા જ દિવસો બાદ પ્રકરણ ઠંડુ પડતા પી.આઈ. કૈલા તો મહત્વની બ્રાંચરૂપ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પાછા ગોઠવાઇ ગયા પરંતુ નાના કર્મીઓ તો હજી ભોગવી રહ્યા છે.
આ પણ વાંચો : સાતમ-આઠમની ઉજવણીનો ઉમળકો : રાજકોટમાં તહેવારોની રંગત ખીલી, ફલાઈટનાં ભાડામાં 50% વધારો,ઉદયપુર-સાપુતારા તરફ પ્રવાસીઓનો પ્રવાહ
તાજેતરમાં AHTUમાં ત્રણ કર્મી ઓની અચાનક બદલી થઈ કહેવાય છે કે ચર્ચા છે કે ત્યાં એક ચોકકસ ફીગર માટેની ડીમાન્ડ મુકાઈ હતી જે પૂરી કરવામાં આ કર્મીઓ દ્વારા અસમર્થતા દાખવાઈ તે માટે રિપોર્ટ સાથે બદલાવી નખાયા છે. સ્પામાં ચાલતો વહિવટો બાબતે ઉઘરાણાની વાત હોવાની જો કે કર્મીઓ દ્વારા આવી લેધર કરન્સી બાબતે નનૈયો ભણ્યો હોવાની ચર્ચા છે.
જો ઉપરોકત જો અને તો મુજબ ચાલતી ચર્ચામાં સ્પા માટે વહિવટોની ઉપરી દ્વારા માગણી કરાઈ હોય અને આવા કારણોસર બદલી થઈ હોય તો અયોગ્ય કહેવાય. કારણ કે જો આવુ થાય તો નીચલા સ્ટાફનું મોરલ કેમ રહે? અથવા તો ટકી રહેવા ઉપરીઓ કહે એમ સાચુ ખોટું કરી દેવુ પડે. એલસીબીની ટીમમાં પણ આવુ જ બન્યુ હતુ અને જે તે સમયે ટીમમાં અધિકારીઓ, કર્મચારીઓની બદલી કરી નખાઈ હતી’ની ચર્ચા છે. રાજકોટ શહેર પોલીસ બેડામાં એવી છાપ પડી ગઈ છે કે અધિકારીઓ મગર મચ્છો સલામત રહી જાય છે અને ભોગ માછલીઓ નાના કર્મચારીઓનો લેવાય જાય છે. ઉપરોકત બાબતો સંદર્ભે ઓન પેપર આવુ કંઈ ન હોવાથી માત્ર હાલ તો ચર્ચા જો અને તો જેવુ જ માનવુ રહ્યું. એક પી.આઈ. તો એવા છે કે તેમને જયાં મૂકવામાં આવે ત્યાં તેમને સ્ટાફ સાથે ન ભળે અને કોઇને કોઇ સ્ટાફનો કોન્ફી રિપોર્ટ કરે તેવી તેમની છાપ છે તો શુ વહિવટ બાબતે આવુ થતું હશે કે કામ બાબતે એ તો એ જ જાણતા હશે ?
આ પણ વાંચો : ક્રિકેટ રમ્યા બાદ 22 વર્ષીય યુવાનની જિંદગીની ઇનિંગ પણ પૂરી થઈ! એકના એક પુત્રનું હાર્ટ એટેકથી મોત,પરિવાર પર આભ ફાટી પડયું
જો અધિકારીઓની મંજૂરી વગર પત્તુ હલી ન શકતું હોય તો નાના જ કેમ દંડાય ?
રાજકોટ શહેર પોલીસમાં બ્રાંચોથી લઈ પોલીસ મથકોમાં અધિકારીઓની નજર બહાર કે જાણ બહાર કર્મચારીઓ કોઇ વહિવટ ન કરી શકે કદાચ નાનુ એવુ થઇ જતુ હશે પણ મોટા કામો તો તેમના તાબાના અધિકારીઓ વીના થતા હોય કે તેમની મંજૂરી વગર પત્તુ હલતું હોય એ શક્ય જેવુ ન હોઈ શકે. મૂક સહમતિ હોતી જ હશે તો પછી છીંડે ચડ્યા ચોર કે નાના કર્મચારીઓ પર જ એકશન કેમ લેવાતા હશે ? ડીસીપ્લીન ફોર્સના કારણે આવા કર્મીઓ વિરોધ પણ ન કરી શકે કે પોતાની સત્ય વાત પણ ન મૂકી શકે. અધિકારીઓના કર્મીઓ બાબતના રિપોર્ટ સંદર્ભે ઉચ્ચ અધિકારીએ જ ખાનગી રાહે સત્ય તપાસ કરવી જોઇએ અથવા તો નાના કર્મીઓને પણ સાંભાળવા જોઇએ તો સત્ય ચિત્ર શું છે એ ઉચ્ચ અધિકારીને પણ ખ્યાલ આવી શકે કે ઉંધા ચશ્મા તો નથી પહેરાવતા ને ? જેવી ચર્ચા છે.
