વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધી જયંતી પર એટલે કે સોમવારે બીજી ઓક્ટોબરે રાજસ્થાન અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે, જ્યાં તેઓ ગ્વાલિયરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. દિલ્હી અને વડોદરા વચ્ચેની સૌથી ઝડપી ટ્રેન મુંબઈ સેન્ટ્રલ તેજસ રાજધાની છે જે 10 કલાક અને 45 મિનિટ લે છે. જ્યારે અન્ય ટ્રેનોમાં 12 થી 15 કલાકનો સમય લાગે છે.
આ એક્સપ્રેસ વે ખુલવાથી દિલ્હી અને વડોદરા વચ્ચેનો રોડ પ્રવાસનો સમય ઘટીને 10 કલાક થઈ જશે. જે આ રૂટ પર સૌથી ઝડપી ટ્રેનના સમય કરતા પણ ઓછો છે. આ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો બીજો ભાગ છે, જેને પીએમ મોદી રાષ્ટ્રને સોંપશે.
હાલમાં દિલ્હીથી વડોદરા પહોંચવા માટે બે સીધા માર્ગો છે – એક જયપુર, ભીલવાડા અને ઉદયપુર થઈને, અને બીજો લક્ષ્મણગઢ, લાલસોટ અને કોટા થઈને. જયપુર-ઉદયપુર રૂટ થોડો નાનો છે અને લગભગ 17 કલાક લે છે. સોહના, દૌસા, લાલસોટ સવાઈ માધોપુર, કોટા, રતલામ, દાહોદ અને ગોધરામાંથી પસાર થતો નવો એક્સપ્રેસ વે દિલ્હી અને વડોદરા વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ અડધો કરી દેશે, જે અગાઉ લગભગ 18-20 કલાક લેતો હતો.
અગાઉના રૂટ પ્રમાણે બંને શહેરો વચ્ચે રોડ માર્ગેનું અંતર 1,000 કિમીથી વધુ હતું, પરંતુ નવા એક્સપ્રેસ વેથી આ અંતર ઘટીને માત્ર 845 કિમી થઈ જશે. આશરે રૂ. 12,000 કરોડના ખર્ચે બનેલ એક્સપ્રેસ વેનો દિલ્હી-વડોદરા વિભાગ હરિયાણા (79 કિમી) અને રાજસ્થાન (373 કિમી) અને મધ્યપ્રદેશ (244 કિમી)ના ચૂંટણી રાજ્યોમાંથી પસાર થાય છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો સોહના-દૌસા સેક્શન પહેલેથી જ કાર્યરત છે.
રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય (MoRTH) ના એક અધિકારીએ ન્યૂઝ18ને જણાવ્યું હતું કે, “તે એક્સેસ-કંટ્રોલ્ડ એક્સપ્રેસવે છે અને કાર 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.” આઠ લેનનો આ ઈ-વે ટ્રાફિકના પ્રવાહને સરળ કરી આપશે. “તે જયપુર, કોટા, ચિત્તોડગઢ, ઇન્દોર, ઉજ્જૈન, ભોપાલ અને અમદાવાદને બહેતર કનેક્ટિવિટી પ્રદાન કરીને બે શહેરો વચ્ચે મુસાફરીને સરળ બનાવશે.”
ભારતને એક્સપ્રેસ વે આપીને વાહનવ્યવહાર સરળ બનાવવાનું કામ સરકાર દ્વારા પુરજોશથી કરવામાં આવી રહ્યું છે. ત્યારે એ ઉપક્રમમાં આ વધુ એક યશકલગી સરકાર માટે ઉમેરાશે.