હવે 7 મહિના સુધી રાજકોટના હરિહર ચોકમાં સર્જાશે ‘ટ્રાફિક ટેરર’ : હજારો વાહનચાલકોએ કરવી પડશે લાંબી પ્રદક્ષિણા
નવરાત્રિનો તહેવાર આવી ગયો છે અને દિવાળીનો તહેવાર પણ એકદમ નજીક છે બરાબર ત્યારે જ મહાપાલિકા દ્વારા શહેરના હાર્દ સમાન હરિહર ચોકમાં બોક્સ કલ્વર્ટ તેમજ વોંકળા ફરતે રિટેઈનિંગ વોલ બનાવવાનું કામ કાઢવામાં આવતાં હવે સાત મહિના સુધી અહીં રસ્તો બંધ રહેવાને કારણે ભયંકર `ટ્રાફિક ટેરર’ સર્જાવાનું નિશ્ચિત છે. રસ્તા બંધ રહેવા અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં જણાવ્યા પ્રમાણે વોર્ડ નં.2માં હરિહર ચોક પાસે નવું બોક્સ કલ્વર્ટ તેમજ રિટેઈનિંગ વોલ બનાવવાની હોવાથી તે કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી કાશી વિશ્વનાથ મેઈન રોડ પાસેથી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ રોડ હરિહર ચોક પાસે બંને બાજુ રોડ બંધ કરવામાં આવશે. વોર્ડ નં.2માં કાશી વિશ્વનાથ મેઈન રોડ પાસેથી હરિહર ચોક તરફ જતા બન્ને તરફનો રોડ બંધ થવાથી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી રહેશે.
લોકો લીમડા ચોક, પંચનાથ મંદિર રોડ, હરિહર ચોકથી ચૌધરી હાઈસ્કૂલ તરફ જવા માંગતા હોય તો તમામ વાહનો હરિહર ચોક, હેડ પોસ્ટ ઓફિસથી જ્યુબિલી ગાર્ડન ચોક થઈ જવાહર રોડ તરફથી ચૌધરી હાઈસ્કૂલ તરફ જઈ શકશે. આ ઉપરાંત હરિહર ચોકથી સદર પોલીસ ચોકીથી સદર વન-વે થઈ ફુલછાબ ચોક સુધી જઈ શકાશે.

આ ઉપરાંત ચૌધરી હાઈસ્કૂલ ચોકથી લીમડા ચોક, પંચનાથ મંદિર રોડ, હરિહર ચોક તરફ જવા માંગતા તમામ પ્રકારના વાહનો આર-વર્લ્ડ સિનેમા, આઈસીઆઈસીઆઈ બેન્ક (શારદા બાગ)થી ફુલછાબ ચોક તેમજ ભીલવાસ ચોકથી પસાર થઈ શકશે.
ચૌધરી હાઈસ્કૂલ ચોકથી કાશી વિશ્વનાથ મેઈન રોડ, ભારત ફ્રૂટ પાસે થઈ સદર બજાર વન-વેથી લીમડા ચોક, પંચનાથ મંદિર રોડ, હરિહર ચોક તરફ તમામ વાહનો જઈ શકશે.
અમે ઘણા સમય પહેલાં જાહેરનામું પ્રસિદ્ધ કરવા લેખિત જાણ કરી’તી
આ અંગે મહાપાલિકાના સિટી ઈજનેર અતુલ રાવલે જણાવ્યું કે અમને હજુ સુધી પોલીસનું જાહેરનામું મળ્યું નથી પરંતુ અમે આ અંગે ઘણા લાંબા સમય પહેલાં પોલીસ વિભાગને જાણ કરી દીધી હતી. અમને જાહેરનામું લેખિતમાં મળી જાય એટલે સંભવતઃ સોમવારથી કામ શરૂ કરી દેવામાં આવશે જે સાત મહિના સુધી ચાલી શકે છે.
