હવે તો હદ થઈ ગઈ !! હોસ્ટેલમાં જમતી વખતે ભોજનમાંથી દેડકો નીકળ્યો, વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભોજનમાં જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હવે હોસ્ટેલમાં જમતી વખતે ભોજનમાંથી દેડકો નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના બાદ વિદ્યાર્થીઓને આપતા ભોજન પર અને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં જેવા અનેક આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે ત્યારે મામલે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને ઉગ્ર વિરોધ દર્શાવી વિદ્યાર્થીઓએ રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી હતી.

મળતી વિગતો અનુસાર આ ઘટના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને ખરાબ જમવાનું આપવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે કુમાર છાત્રાલયના ભોજનાલયમાં જયારે વિદ્યાર્થીઓ જમવા બેઠા હતા તે દરમિયાન એક વિદ્યાર્થીની ભોજનની થાળીમાં પીરસાયેલા વટાણાના શાકમાં દેડકો આવી ગયો હતો.
આ ઘટનાથી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતાં. બીજા દિવસે સોમવારે તમામ વિદ્યાર્થીઓએ કુમાર છાત્રાલયથી પાટણ કલેક્ટર કચેરી સુધી રેલી અને સુત્રોચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં રહેવાની અગવડતા અને ખાવાની ખરાબ ગુણવત્તા બાબતે પાલનપુરના સંચાલકોને પણ રજૂઆત કરી છે.

આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં મૃત દેડકો નીકળતા વિદ્યાર્થીઓ ના આરોગ્યને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું આવી રીતે ભોજનની ગુણવતા જળવાશે? આ ભોજન વિદ્યાર્થીઓ ને આપવા આવે અને વિદ્યાર્થીઓ આરોગી જાય તો શું તેમનો આરોગ્ય ના જોખમાય ત્યારે વિદ્યાર્થીઓ માં છાત્રાલયમાં અપાતા ભોજન બાબતે આક્રોશ જોવા મળી રહ્યો છે અને છાત્રાલય માં ભોજનનું ટેન્ડર કોન્ટ્રાકટરનું રદ કરવામાં આવે અને ગુણવતા યુક્ત ભોજન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.