હવે કોઈ મેડિકલ રાજકોટ બહારથી દવા ખરીદી શકશે નહીં! દર્દીઓને ડુપ્લીકેટ દવાથી બચાવવા કેમિસ્ટ એસોસિએશનનો નિર્ણય
રાજકોટ સહિત સમગ્ર દેશનું મેડિકલ માર્કેટ દિવસેને દિવસે વિસ્તરી રહ્યું છે. લોકોની જીવનશૈલીમાં ધરમૂળથી ફેરફાર થવાને કારણે બિમારી પણ વધી રહી હોય બજારમાં દરરોજ નવી-નવી કંપનીઓની દવા આવી રહી છે. જો કે છેલ્લા એકાદ વર્ષથી રાજકોટમાં ડુપ્લીકેટ દવા અને તેમાં પણ ખાસ કરીને દવામાં ચૂનો ભેળવીને દર્દીઓને ધાબડી દેવામાં આવતી હોવાનો અને આવા નફાખોરો ઉપર કાર્યવાહી કરાયાનો અહેવાલ `વોઈસ ઓફ ડે’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતાં રાજકોટ કેમિસ્ટ એસોસિએશને એક મહત્ત્વનો નિર્ણય લઈ હવે રાજકોટ બહારથી કોઈ પ્રકારની દવા ન ખરીદવા નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે કેમિસ્ટ એસોસિએશન-રાજકોટ દ્વારા જણાવાયું કે હોલસેલ, ઝોનલ તેમજ કારોબારી સમિતિના સભ્યોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં રાજકોટની દવા બજારમાં વધતા જતા ડુપ્લીકેટ દવાના કારોબારને ધ્યાનમાં રાખી રાજકોટ બહારથી દવાની ખરીદી ન કરવા તેમજ રાજકોટની કંપની દ્વારા નક્કી કરેલા સ્ટોકિસ્ટ પાસેથી જ રિટેઈલર તેમજ સેમી હોલસેલર દ્વારા માલની ખરીદી કરવી તેવો નિર્ણય લેવાયો હતો. આનિર્ણય સંસ્થા દ્વારા હાલમાં જ ભારતભર, ગુજરાત અને રાજકોટમાંથી પણ પકડાયેલા ડુપ્લીકેટ દવાઓને કારણે લોકોને આડઅસર થવાનો ભય રહે છે. આ ઉપરાંત જનજાગૃતિ લાવવા માટે જનજાગૃતિ કમિટીની રચના કરવામાં આવી છે. જો કોઈ મેમ્બર દ્વારા આ બાબતે ગેરરીતિ કરતા જણાશે તો આ કમિટી દ્વારા તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. આ કમિટીમાં પાંચ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જાણવા મળ્યા પ્રમાણે હાલમાં રાજકોટમાં સર્જરી થયા બાદ લેવામાં આવતી દવા ઉપરાંત તાવ, શરદી, ઉધરસ, માથાનો દુઃખાવો, હૃદયરોગ, ડાયાબિટીસ સહિતની બીમારીની દવાનું ડુપ્લીકેશન થઈ રહ્યાનું ધ્યાન પર આવ્યું છે.
