હવે 100,101,108 નહીં ડાયલ કરો સીધો 112 નંબર : રાજકોટમાં જનરક્ષક હેલ્પલાઇન શરૂ, શહેરના 31 પોઇન્ટ ઉપર PCR વાન રહેશે તૈનાત
અત્યાર સુધી અકસ્માત થયો હોય કે પછી કોઈ બીજી ઘટના-દૂર્ઘટના સર્જાઈ હોય 108ની સેવા ઝડપથી પ્રાપ્ત થઈ રહી છે. આ જ તર્જ ઉપર હવે રાજ્ય સરકાર દ્વારા 112 હેલ્પલાઈન નંબર જાહેર કરી અલગ-અલગ શહેર-જિલ્લા માટે 1034 જેટલી પીસીઆર વાનની ફાળવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત રાજકોટ શહેર-જિલ્લામાં કુલ 158 વાનને પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી લીલીઝંડી આપવામાં આવી હતી.

આ અંગે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જણાવાયું હતું કે અત્યાર સુધી ઈમરજન્સી નંબર 100, 101, 108, 181, 1098, 1070, 1077 સહિતના ઉપર સંપર્ક કરીને મદદ મેળવવામાં આવતી હતી પરંતુ હવેથી 112 નંબર ઉપરથી જ તમામ પ્રકારની સેવા મળી રહેશે. આ માટે શહેરના 31 પોઈન્ટ ઉપર જનરક્ષક પીસીઆર વાન ઉપલબ્ધ રહેશે.

પોલીસ કંટ્રોલ રૂમ ઉપર જેવો ફોન આવે એટલે નજીકના પોઈન્ટ પર રહેલી વાન તુરંત સ્થળ ઉપર પહોંચી જશે સાથે સાથે હદ અને વિસ્તારના પ્રશ્નનો પણ અંત આવશે. આ વાનમાં એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર સહિતના લોકો તૈનાત રહેશે. દરેક પોલીસ કર્મચારી યુનિફોર્મ, લાઠી, હેલમેટ અને બોડી કેમેરા સાથે 24 કલાક કાર્યરત રહેશે. આ પ્રસંગે પોલીસ કમિશનર દ્વારા નવી પીસીઆર વાનને પણ લીલીઝંડી અપાઈ હતી.

આ વેળાએ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ IG અશોકકુમાર યાદવ, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, SP વિજયસિંહ ગુર્જર, dcp ક્રાઈમ જગદીશ બાંગરવા, સજનસિંહ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.