હવે તો ‘બસ’ કરો !! ચાર-ચારના ભોગ લીધા પછી પણ રાજકોટની સિટી બસ સેવા સામે રોજની 25 ફરિયાદ
16 એપ્રિલનો એ ગોઝારો દિવસ કે જ્યારે સવારે 10 વાગ્યાના અરસામાં માતેલા સાંઢની જેમ બેકાબૂ બનેલી સિટી બસે ચાર સેક્નડની અંદર જ ચાર-ચાર લોકોને હડફેટે લઈ મોતને ઘાટ ઉતારી દીધાં હતા. આ અકસ્માત બાદ બસ સેવામાં સુધારો થશે તેવી આશા સૌ કોઈ રાખી રહ્યા હતા પરંતુ તે હળાહળ ઠગારી નિવડી હોય તેમ આ દૂર્ઘટના બાદ પણ સિટી બસ સેવા સામે રોજની 25 ફરિયાદો નોંધાઈ હોવાની સત્તાવાર વિગતો સાંપડી છે. આ જોતાં મહાપાલિકાનો સિટી બસનું સંચાલન કરતી એજન્સી ઉપર કોઈ જ `કંટ્રોલ’ ન હોવાનું ફલિત થઈ રહ્યું છે.
મહાપાલિકા પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે 16 એપ્રિલથી 5 મે સુધીમાં સિટી બસ સેવાને લગત અલગ-અલગ સાત પ્રકારની મળી કુલ 482 ફરિયાદ મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઈન નંબર `155304′ ઉપર અને રૂબરૂ મળવા પામી છે. આ ફરિયાદમાં બેફામ બસ ચલાવવાની 17, ડ્રાઈવર-કંડક્ટર દ્વારા મુસાફરો સાથે તોછડું વર્તન કરાયાની 19, પરચુરણ ફરિયાદ 150, ઓવરસ્પીડે બસ ચલાવવાની 8, બસ સમયસર અવર-જવર નહીં કરી રહ્યાની 145, નિર્ધારિત કરેલા બસ સ્ટોપ ઉપર બસ ન ઉભી રહેવાની 114 અને ટિકિટ નહીં આપવા તેમજ ટિકિટ ખરીદ કર્યા બાદ બાકી રહેતી રકમ પરત નહીં કરવાની 29 મળી કુલ 482 ફરિયાદ નોંધાઈ છે.
આ 482 ફરિયાદમાંથી 471 ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો હોવાની તો 11 ફરિયાદની તપાસ ચાલી રહ્યાનું જાણવા મળ્યું છે. એકંદરે મહાપાલિકાને ફરિયાદ મળે એટલે તે ફરિયાદ બસનું સંચાલન કરતી એજન્સીને મોકલવામાં આવે છે. આ પછી એજન્સી દ્વારા ડ્રાયવર-કંડક્ટર સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે પરંતુ એ પગલાં શું લેવામાં આવ્યા તે અંગેની વિગત આપવાનું ટાળવામાં આવ્યું હતું સાથે સાથે કેટલો દંડ વસૂલવામાં આવ્યો તેની પણ વિગત મહાપાલિકા દ્વારા આપવામાં આવી ન્હોતી.
આ તે વળી કેવું ? એરટેલ સહિત અમુક નેટવર્ક પરથી 155304 ઉપર ફોન જ નથી લાગતો !
મહાપાલિકા દ્વારા બેફામપણે બસ ચાલતી હોય, ડ્રાઈવર-કંડક્ટર દ્વારા તોછડું વર્તન કરવામાં આવી રહ્યું હોવા સહિતની ફરિયાદો મુસાફરો સરળતાથી નોંધાવી શકે તે માટે 155304 નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર બસના પાછળ ભાગે ચીપકાવાયો પણ છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એરટેલ સહિત અમુક નેટવર્ક પરથી આ નંબર પર ફોન કરવામાં આવે એટલે ફોન કરનારને `તમારા પાસે ફોન કરવા માટે પર્યાપ્ત બેલેન્સ નથી’ તેવી કેસેટ વાગીને ફોન કટ થઈ જાય છે. આનાથી વધુ આશ્ચર્ય તો એ વાતનું છે કે ફોન કરનારે ત્રણ મહિનાનું રિચાર્જ એક સાથે કરાવી નાખ્યું હોવા છતાં તેના ફોનમાં બેલેન્સ નથી તેવી કેસેટ શા માટે વાગતી હશે ? વળી, રવિવારે કોલ સેન્ટર ઉપર ફરિયાદ કરવા ફોન કરવામાં આવ્યો તો કોઈએ ઉપાડવાની તસ્દી પણ લીધી ન્હોતી ! આ અંગેની ફરિયાદ આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડુકને મળતાં તેમણે તાત્કાલિક જવાબદારોને એરટેલ સહિતના નેટવર્ક મારફતે ફોન થઈ શકે તેવી વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો.
અક્કલનું પ્રદર્શન કેવી રીતે કરવું ? મહાપાલિકા પાસે શીખવા જેવું…!

મહાપાલિકા દ્વારા ઘણા સમય પહેલાં કોલ સેન્ટરનો જૂનો નંબર 0281-2450077 બંધ કરીને તેના સ્થાને 155304 નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે અને તેના ઉપર દરરોજ હજારોની સંખ્યામાં ફરિયાદો પણ નોંધાઈ રહી છે. જો કે એસ્ટ્રોન ચોકમાં આવેલા બગીચાના ખૂણે કાર્યરત મહાપાલિકાની વોર્ડ ઓફિસ ઉપર હજુ પણ જૂનો નંબર જ ફરિયાદ નોંધાવવા માટે ચાલું હોય તે પ્રકારનું શુદ્ધ અક્ષરે લખાણ લખવામાં આવ્યું હોય કદાચ આ વોર્ડ ઓફિસના જવાબદારોને જૂનો નંબર બંધ થઈને નવો નંબર ચાલું થઈ ગયાનો ખ્યાલ ન હોય તેવું બની શકે છે ! એકંદરે આ પ્રકારે નંબર લખેલો હોવાથી અહીં આવનારા અરજદારો જૂના નંબર ઉપર જ ફરિયાદ કરવા પ્રયત્ન કરતા હોવાનું પરંતુ ફોન ન લાગવાને કારણે ફરિયાદ કરવાનું ટાળતાં હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે.