આજે રજાના દિવસે પણ એનઓસી ઈશ્યુ કરવાની કામગીરી ચાલું રહેશે: રાઈડ સંચાલકની અરજી બાદ એનઓસી અંગે કમિટી નિર્ણય લેશે
એસઓપી સાથે કોઈ પ્રકારની બાંધછોડ નહીં થાય
આજથી રાજકોટનો ભાતીગળ લોકમેળો શરૂ થઈ રહ્યો છે તે પહેલાં મોટી રાઈડ શરૂ થશે કે નહીં તેને લઈને કોકડું વધું ગુંચવાઈ જવા પામ્યું છે. હાઈકોર્ટ દ્વારા એસઓપીનું પાલન કરવા માટે આદેશ અપાયા બાદ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જણાવાયું હતું કે એસઓપી મતલબ કે સરકાર દ્વારા રાઈડસને લઈને જે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે તેની સાથે કોઈ જ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
કમિશનરે કહ્યું કે ગેમિંગ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, રાઈડસ સહિતના માટે સરકારે એક એસઓપી બનાવી છે એટલા માટે તેમાં ફેરફાર કરીને વધારાની છૂટ આપી ન શકાય. દરેક રાઈડ સંચાલકે એનઓસી મેળવવા માટે પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલી લાયસન્સ બ્રાન્ચમાં અરજી કરવાની રહેશે. આ પછી પોલીસ દ્વારા એ અરજી કમિટીને મોકલવામાં આવશે. આ કમિટી નાયબ કાર્યપાલક ઈજનેર સહિતના ૯ અધિકારીઓને સમાવિષ્ટ કરીને બનાવવામાં આવી છે. કમિટી દ્વારા એનઓસીની અરજીનો અભ્યાસ તેમજ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ તમામ પૂરાવા રજૂ કરાયા હશે તો જ એનઓસી ઈશ્યુ કરવાનો હુકમ કરશે.
બીજી બાજુ આજે રજાનો દિવસ હોવા છતાં લાયસન્સ બ્રાન્ચમાં કામગીરી ચાલું રહેશે એટલા માટે રાઈડ સંચાલક ગમે ત્યારે અરજી કરી શકશે. જો કે તેને એનઓસી મળશે જ તેનો નિર્ણય કમિટી દ્વારા જ લેવામાં આવશે.
એક જ દિવસમાં બધી કામગીરી શક્ય છે ? કમિશનરે કહ્યું, પ્રયત્ન કરશું
`વોઈસ ઓફ ડે’ દ્વારા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને પૂછવામાં આવ્યું કે એક જ દિવસમાં પોલીસ દ્વારા એનઓસી આપવાની કામગીરી શક્ય છે ? રાઈડસ માટેના ૩૧ પ્લોટ છે અને સાંજે તો મેળો શરૂ થઈ જવાનો છે ત્યારે હજુ સુધી રાઈડ માટે એક પણ અરજી આવી નથી ત્યારે એક જ દિવસમાં આ બધું કેવી રીતે શક્ય બનશે ? આ સહિતના સવાલોનો પોલીસ કમિશનર દ્વારા માત્ર એટલો જ જવાબ અપાયો હતો કે પ્રયત્ન કરવામાં આવશે !