પાણીની ચિંતા કરતાં જ નહીં : મુખ્યમંત્રીની રાજકોટને ખાતરી, શહેરીજનના હૈયે ટાઢક વળે તેવી જાહેરાત
શહેરીજનના હૈયે ટાઢક વળે તેવી જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાઈ
પૂરતું પાણી મળી રહે તે માટે મહાપાલિકાના શાસકોને બીજું આયોજન કરવા આદેશ આપી દેવાયો છે
ભૂપેન્દ્ર પટેલે પૂછયું, કોઈ બીજું કામ બાકી હોય તો કહો
બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે મહાપાલિકા અને રૂડાના ૫૬૫.૬૩ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. કટારિયા ચોકડી ખાતે આયોજિત આ કાર્યક્રમને સંબોધિત કરતાં મુખ્યમંત્રીએ દરેક રાજકોટીયન્સને હૈયે ટાઢક વળે તેવી ખાતરી આપતાં જણાવ્યું હતું કે કોઈએ પાણીની ચિંતા કરવાની જ નથી. શહેરને પૂરતું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા મહાપાલિકાના શાસકોને બીજું આયોજન ગોઠવી લેવા આદેશ આપી દેવામાં આવ્યો છે અને તે આયોજન થકી શહેરને પાણીની તંગી પડવા દેશું નહીં.
પોતાના સંબોધન વખતે તાળીઓનો ગડગડાટ અને ભારત માતા કી જય'નો નારો પ્રમાણમાં ઓછો સંભળાતાં મુખ્યમંત્રીએ શહેરીજનોને પૂછયું હતું કે કોઈ બીજું કામ બાકી હોય તો કહો કેમ કે હજુ તો તમને અનેક વિકાસકામ આપવાના છીએ. આ પછી તેમણે ઉમેર્યું કે પાણીની ચિંતા કરવાનું છોડી દેજો. આ સાંભળી તાળીઓનો ગડગડાટ વધી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે એપ્રિલથી નર્મદા કેનાલનું રિપેરિંગ કામ શરૂ કરવાનું છે. રાજકોટને આ કેનાલ મારફતે જ નર્મદાનું નીર મળી રહ્યું હોય જો કેનાલ બંધ થશે તો પાણી કઈ રીતે મળી શકશે તેની ચિંતા શાસકોને સતાવવા લાગી હતી. બીજી બાજુ ઉનાળો આકરો બની રહ્યો છે બરાબર ત્યારે જ તંગી ન સર્જાય તે માટે શાસકો ગાંધીનગર દોડી ગયા હતા અને પાણી અંગે
રસ્તો’ કાઢવા સરકારને આગ્રહ કર્યો હતો. આ પછી સરકારે પણ હકારાત્મક પ્રતિભાવ આપી રાજકોટને પાણીની તંગી નહીં પડે તેવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો. હવે ખુદ મુખ્યમંત્રીએ જ રાજકોટ આવીને પાણી અંગે ચિંતામુક્ત થઈ જવા આશ્વાસન આપ્યું હોય ઉનાળામાં પાણીની બિલકુલ તકલીફ નહીં પડે તેવી આશા સૌ સેવી રહ્યા છે.
નેતાઓ આવે ત્યારે જ સફાઈ થાય એવું ન કરતાં: સીએમની ટકોર
મુખ્યમંત્રીએ પોતાના સંબોધન દરમિયાન મહાપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓને એવી ટકોર પણ કરી હતી કે હું કાર્યક્રમ સ્થળે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં રાજકોટ સ્વચ્છતાનું પાટનગર બનશે તેવું મોટું બોર્ડ વાંચ્યું હતું ત્યારે હું કહેવા માંગીશ કે માત્ર નેતાઓ આવે ત્યારે જ સફાઈ થાય એવું ન કરતા અને શહેરને કાયમી સ્વચ્છ રાખજો. આ સફાઈકાર્યમાં શહેરીજનોએ પણ સહકાર આપવો જરૂરી બની જશે. શાસકો દ્વારા મુખ્યમંત્રીને એવી બાહેંધરી પણ આપવામાં આવી હતી કે તેઓ ફરીવાર રાજકોટ આવશે ત્યારે રાજકોટ વધુ રળિયામણું બની ગયું હશે.