ગુજરાતમાં વીજ દરોમાં કોઈ વધારો નહીં: પ્રીપેઈડ સ્માર્ટ મીટર પર હવે 3% રિબેટ મળશે, નવા નાણાકીય વર્ષથી અમલ
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (GERC) દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેના નવા ટેરિફ ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. રાજ્યના લાખો વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે રાજ્ય સરકાર હસ્તકની વીજ કંપનીઓ (ડિસ્કોમ્સ) અને ટોરેન્ટ પાવર લિમિટેડના ગ્રાહકો માટે વીજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા નક્કી કરાયેલા આ દરો 1 એપ્રિલ, 2026 થી અમલી બનશે. આયોગે 24 અને 25 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયેલી જાહેર સુનાવણીમાં મળેલા સૂચનો અને વાંધાઓનો અભ્યાસ કર્યા બાદ આ નિર્ણય લીધો છે.
ટેરિફ ઓર્ડરની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
રાજ્યની સરકારી વીજ કંપનીઓના ગ્રાહકો માટે:
- સ્માર્ટ મીટર રિબેટ: પ્રીપેઈડ સ્માર્ટ મીટરિંગ વ્યવસ્થા અપનાવનાર ગ્રાહકોને એનર્જી ચાર્જ પર મળતો રિબેટ 2% થી વધારીને 3% કરવામાં આવ્યો છે.
- ToU ડિસ્કાઉન્ટમાં વધારો: દિવસ દરમિયાન મળતી સસ્તી સોલાર ઊર્જાનો લાભ આપવા માટે ‘ટાઈમ ઓફ યુઝ’ (ToU) ડિસ્કાઉન્ટનો સમયગાળો હવે 4 કલાકથી વધારીને 6 કલાક (11:00 થી 17:00) કરવામાં આવ્યો છે.
- વોટરવર્ક્સને લાભ: તમામ વોટરવર્ક્સ જોડાણો માટે ToU ડિસ્કાઉન્ટ લાગુ કરાયું છે અને 50 HP લોડની મર્યાદા દૂર કરવામાં આવી છે.
- ગ્રીન પાવર ટેરિફ: પર્યાવરણને અનુકૂળ વીજળી માટેનો ‘ગ્રીન પાવર ટેરિફ’ દર રૂા. 0.90/kWhથી ઘટાડીને રૂ. 0.75/kWh કરાયો છે.
ટોરેન્ટ પાવરના ગ્રાહકો માટે:
- સોલાર કલાક રિબેટ: દિવસના 11:00 થી 15:00 કલાક દરમિયાન વીજ વપરાશ માટે 30 પૈસા/kWhના દરે સોલાર કલાક રિબેટ આપવામાં આવશે.
- નવા ToU ચાર્જ સમયગાળા: અમદાવાદ, ગાંધીનગર અને સુરત માટે ToU ચાર્જનો સમય સવારે 06:00 થી 08:00 અને સાંજે 17:00 થી 23:00 રહેશે.
- ગ્રીન ટેરિફ: અહીં પણ ગ્રીન પાવર ટેરિફનો દર ઘટાડીને રૂ. 0.75/kWh કરવામાં આવ્યો છે.
ડિસ્ટ્રીબ્યુશન લોસની સ્થિતિ:
આયોગે નોંધ્યું છે કે વર્ષ 2024-25 દરમિયાન મોટાભાગની વિતરણ કંપનીઓએ નક્કી કરેલા લક્ષ્યાંક કરતા ઓછો વીજ વ્યય (ડિસ્ટ્રીબ્યુશન લોસ) હાંસલ કર્યો છે. UGVCL 5.23% અને ટોરેન્ટ પાવર સુરતે 2.81% જેટલો નીચે લોસ નોંધાવ્યો છે.
