ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
અમદાવાદની વિમાન દુર્ઘટના જેના પડઘા સમગ્ર વિશ્વમાં પડયા હતા. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી સર્જાતા 240થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે આ ગોઝારી દુર્ઘટના બાદ DGCA એ તમામ બોઇંગ વિમાનમાં એરલાઇન્સને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચનું નિરીક્ષણ કરવા સૂચના આપી હતી. ત્યારે આજે એર ઇન્ડિયાએ તેના તમામ બોઇંગ 787 અને 737 વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ (FCS) લોકીંગ મિકેનિઝમનું નિરીક્ષણ પૂર્ણ કરી લીધું છે અને તેમાં કોઈ સમસ્યા જોવા મળી નથી.

શું છે સમગ્ર મામલો?
12 જૂનના રોજ થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ વિમાન તપાસની આ કાર્યવાહી કરવામાં આવી હતી. તે દિવસે, એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહ્યું હતું, પરંતુ ટેકઓફ કર્યા પછી તરત જ એક ઇમારત સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં 260 લોકો માર્યા ગયા હતા, જેમાં જમીન પર રહેલા 19 લોકોનો સમાવેશ થાય છે. વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી ફક્ત એક જ મુસાફર બચી શક્યો હતો.

ત્યારે આ મામલે એર ઇન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે તેના સમગ્ર બોઇંગ 787 અને બોઇંગ 737 ફ્લીટ પર ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ (FCS) લોકીંગ મિકેનિઝમની સાવચેતી તપાસ પૂર્ણ કરી છે. એક નિવેદનમાં, એરલાઇન્સે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ફ્યુઅલ સ્વિચમાં કોઈ ખામી જોવા મળી નથી.
એર ઇન્ડિયાએ માહિતી આપી હતી કે તેણે DGCA ના સત્તાવાર નિર્દેશ પહેલાં જ 12 જુલાઈએ તેની તપાસ શરૂ કરી દીધી હતી. કંપનીએ કહ્યું કે આ તપાસ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થઈ હતી અને તેની માહિતી નિયમનકારને પણ આપવામાં આવી છે. આ તપાસ એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ બંનેના કાફલા પર કરવામાં આવી હતી.

DGCAએ એરલાઇન્સને ફ્યુઅલ સ્વિચ મિકેનિઝમની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “તપાસ દરમિયાન લોકીંગ મિકેનિઝમમાં કોઈ સમસ્યા જોવા મળી નથી. અમે મુસાફરો અને ક્રૂ સભ્યોની સલામતી માટે પ્રતિબદ્ધ છીએ.” ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) ના આદેશ બાદ તપાસની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં ભારતમાં ઉડાન ભરતા બોઇંગ સહિત અન્ય વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમની તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ ક્યારે પૂરો થશે? રાજકોટ મહાપાલિકા પાસે જ નથી જવાબ!
ઉડાન પછી માત્ર એક સેકન્ડ પછી સ્વીચો ‘RUN’ થી ‘CUT OFF’ મોડમાં ગયા
12 જૂનના એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના 15 પાનાના પ્રારંભિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે ટેક-ઓફના એક સેકન્ડમાં, એન્જિનને ઇંધણ સપ્લાય કરતા સ્વીચો ‘RUN’ થી ‘CUT OFF’ મોડમાં ગયા, જેના કારણે એન્જિનને ઇંધણ સપ્લાય થીજી ગયો અને આ અકસ્માત થયો. રિપોર્ટ અનુસાર, 180 નોટની ગતિએ પહોંચ્યા પછી વિમાન કુલ 30 સેકન્ડમાં ક્રેશ થયું. જો કે, રિપોર્ટમાં પુષ્ટિ કરવામાં આવી નથી કે ફ્લાઇટ દરમિયાન ઇંધણ સ્વીચો કેવી રીતે બંધ થઈ ગયા.