કેનેડાના વેનકુવરમાં એક શખ્સે ભીડ પર કાર ચડાવી દેતા નવ લોકોના કરુણ મોત
કેનેડાના વેનકુવરમાં શનિવારે મોડી સાંજે લાપુ ડે ફેસ્ટિવલ દરમિયાન એક શખ્સે ઉજવણી કરી રહેલા લોકો પર પૂરપાટ ઝડપે કાર ચડાવી દેતા ઓછામાં ઓછા નવ લોકોના મૃત્યુ થયા હતા અને અન્ય અનેક ઘાયલ થયા હતા. પોલીસે હુમલાખોર ની ધરપકડ કરી હતી. પોલીસ આ ઘટનાની આતંકવાદી હુમલા તરીકે નહી પણ “માસ કેઝ્યુઅલ્ટી ઇન્સિડન્ટ” તરીકે તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર ઇસ્ટ 41 એવેન્યુ અને ફેઝર સ્ટ્રીટ ખાતે ફિલિપોન સમુદાયના આશરે 1000 લોકો ઉજવણીનો આનંદ લઇ રહ્યા હતા ત્યારે સો કિલોમીટરની ઝડપે એક બ્લેક એસયુવી તેમની ઉપર ઘસી આવી હતી. આ ઘટનાને પગલે રસ્તા પર ભાગદોડ અને અંધાધુંધીના દ્રશ્યો સર્જાયા હતા. અનેક લોકો ઘાયલ થઈને રસ્તા પર પડ્યા હોય તેવા દ્રશ્યો બાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થયેલા વીડિયોમાં નજરે પડતા હતા.
પ્રાપ્ત વિગત મુજબ લોકોએ કાર ચાલકને ઝડપી લીધો હતો. પોલીસે વેનકુંવરના ત્રીસ વર્ષના એક પુરુષની ધરપકડ કરી હોવાનું જાહેર કર્યું હતું. જો કે પોલીસે આરોપીનું નામ ગુપ્ત રાખ્યું હતું. મોડે સુધી તંત્ર દ્વારા જાનહાનિ ની વિગતો પણ સતાવાર રીતે જાહેર કરવામાં ન્હોતી આવી પણ ઓછામાં ઓછા નવ લોકોના મૃત્યુ થયા હોવાનું અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું વિશ્વાસપાત્ર સુત્રોએ જણાવ્યું હતું. હુમલાખોર માનસિક રીતે અસ્વસ્થ હોવાનું માનવામાં આવે છે. આ બનાવને પગલે વેનકુવરમાં ભારે રોષનો માહોલ છવાયો હતો. પોલીસે અફવાઓ ન સાંભળવા અને માત્ર અધિકૃત જાહેરાતને જ માનવા લોકોને વિનંતી કરી હતી.
