- પરીક્ષા શરૂ થવાના અડધો કલાક પૂર્વે જ પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી : ઈપીએફ વિભાગની ભરતી માટે રાજકોટ સેન્ટર ઉપરથી 3588 ઉમેદવારો પરીક્ષા આપશે
રાજકોટ : યુપીએસસી એટલે કે યુનિયન પબ્લીક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા આગામી તા.7ને રવિવારે રથયાત્રાના દિવસે જ ઇપીએફઓના પર્સનલ આસિ. અને ઇએસઆઇસી માટે નર્સીંગ ઓફિસરની જગ્યા માટે સ્પર્ધાત્મક પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. યુપીએસસીની પરીક્ષામાં રાજકોટ સેન્ટર ઉપરથી 3588 ઉમેદવારો પરીક્ષા આપનાર હોય તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરી લેવામાં આવી છે.
રાજકોટ ખાતે આગામી તા.7 જુલાઈના રોજ યુપીએસસીની પરીક્ષા યોજાશે જેમાં કુલ 3588 ઉમેદવારો બેસનાર છે. સાથે જ તા.7ના અષાઢી બીજની રથયાત્રાનો પ્રસંગ હોય આ પ્રસંગે રાજકોટમાં રથયાત્રા નીકળનાર હોય, ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. નવા નિયમ મુજબ તમામ ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાના અડધો કલાક પૂર્વે એન્ટ્રી લેવી ફરજીયાત છે ત્યારે રાજકોટ સેન્ટરમાં 13 જેટલા કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવા આયોજન કરાયું છે. આ માટે આજે જુદા-જુદા વિભાગોની બેઠક પણ યોજાઈ હતી.
શહેરની મહિલા હોમ સાયન્સ કોલેજ, આઇપી મીશન ગર્લ્સ હાઇસ્કૂલ, જે.જે. કુંડલીયા કોમર્સ કોલેજ, એચ.બી. જસાણી કોલેજ, વીરબાઇ મહિલા કોલેજ, કણસાગરા મહિલા કોલેજ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ, જીટી શેઠ વિદ્યાલય (કાલાવડ રોડ), કલ્યાણ હાઇસ્કૂલ, કે.એ. પાંધી કોલેજ, ક્ધવેન્શનલ બિલ્ડીંગ યુનિટ-1 અને 2, સૌરાષ્ટ્ર યુનિ. એમ 13 કેન્દ્રો પરથી આ સ્પર્ધાત્મક કસોટી લેવામાં આવનાર છે. પરીક્ષાના મોનીટરીંગ માટે ત્રણ પ્રાંત અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.
યુપીએસસી દ્વારા પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ, બ્લુટુથ, પુસ્તકો, ઇલેકટ્રોનીક્ ગેઝેટ સાથે રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પરીક્ષાના સંદર્ભે તા.6 અને 7 દરમ્યાન કલેક્ટર કચેરીની જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાં ક્ધટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. આ પરીક્ષાના પેપરો રાજકોટ આવી પહોંચતા તેને કલેક્ટર કચેરીના સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સીલ મારી દેવામાં આવ્યું છે.