ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં નવો વળાંક : પોલીસ પૂર્વ MLAના માણસ સામે ગુનો નોંધ્યો તો’ગણેશએ પણ વળતી અરજી આપી
ગોંડલમાં રાજકુમાર જાટ યુવકના મોત મામલે નવો વળાંક સામે આવ્યો છે.પોલીસ દ્વારા જાટ યુવકને માર મારનાર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના અજાણ્યા માણસ સામે એનસી કેસ નોંધ્યો છે.તો સામા પક્ષે જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાએ પિતા-પુત્ર બળજબરી પૂર્વક બંગલામાં ઘુસી ગયાની અરજી પોલીસમાં કરતા આ મામલે જેતપુરના પીઆઇને આગળની તપાસ સોંપવામાં આવી છે.
વધુ માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ગોંડલના રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના રહસ્યમય મોત મામલે મૃતકના પિતા રતનલાલ જાટે ગોંડલ પોલીસ સામે પણ અનેક આક્ષેપો કર્યા હતા. જે-તે વખતે તેણે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તે અને તેનો પુત્ર બાઇક ઉપર જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બંગલાની બહાર તહેનાત શખ્સો તેને અને તેના પુત્રને બંગલાની અંદર લઈ ગયા હતા અને તેના પુત્રને મારકૂટ કરી હતી.આ બાદ ભારે વિવાદ સર્જાયો હતો.જેથી હાલ આ કેસમાં ગોંડલ પોલીસે હવે રતનલાલ જાટે આપેલા નિવેદનના આધારે ગુપચુપ રીતે જયરાજસિંહ જાડેજાના બંગલામાં હાજર અજાણ્યા શખ્સ સામે એનસી કેસ રજિસ્ટર કર્યો છે. જે મુજબ મૃતક રાજકુમારને બંગલામાં હાજર એક અજાણ્યા શખ્સે તમાચો ઝીકી દીધો હતો. મૃતકના પિતા રતનલાલે તમાચો ઝીંકનાર શખ્સને પોતે ઓળખતા નહીં હોવાનું કહ્યું હતું. જેથી અજાણ્યા શખ્સ સામે એનસી કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે.
બીજી તરફ ગણેશ જાડેજાએ મૃતક રાજકુમાર અને તેના પિતા સામે બંગલામાં ગેરકાયદે પ્રવેશ્યાની પોલીસમાં અરજી આપી છે. અરજીમાં જણાવ્યું છે કે બંને પિતા-પુત્ર બંગલામાં કામ છે તેમ કહી ઘૂસી જતાં બંગલામાં હાજર માણસોએ તેમને ખુરશી આપી હતી. ત્યાર પછી બંને પિતા-પુત્ર મોબાઈલને લઈને મારવાડી ભાષામાં ઝઘડતા હતા. જેથી બંનેને બંગલામાંથી બહાર જવાનું કહેવાતાં રતનલાલ તો તૈયાર થઈ ગયા હતા. પરંતુ તેનો પુત્ર મૃતક રાજકુમાર બંગલામાંથી બહાર જવા તૈયાર ન હતો. એટલું જ નહીં ખુરશી પકડીને ઉભો રહી ગયો હતો. મહામહેનતે તેને બહાર મોકલવામાં આવ્યો હતો. બંને અરજીની તપાસ હાલ જેતપુરના પીઆઇને સોંપવામાં આવી છે.