અમદાવાદ એરપોર્ટ ઉપર બનશે નવું ટર્મિનલ : માર્ચ-26થી બાંધકામ શરુ થવાની ધારણા : વર્ષે 2 કરોડ મુસાફરોને હેન્ડલ કરી શકાશે
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ નવા રંગરૂપ ધારણ કરવાનું છે અને આ સાથે સાથે નવા ટર્મિનલનું બાંધકામ પણ થશે. સુત્રો અનુસાર, અદાણી અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડ દ્વારા હાલના એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, રાજ્ય હેંગર, તેમજ જનરલ એવિએશન ટર્મિનલને સ્થાનાંતરિત કરવા માટે એક દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.સુત્રોએ કહ્યુ છે કે, માળખાકીય સુવિધા સાથેના બે તબક્કામાં આખુ એરપોર્ટ નવા રંગરૂપ ધારણ કરશે. પહેલો તબક્કો પૂરો થઇ જાય પછી હાલનું એ.ટી.સી. નવા ટર્મિનલમાં ખસેડાશે.

આ એરપોર્ટના નવીનીકરણ માટે અદાણી ગ્રુપ આગામી પાંચ વર્ષ માટે 96 હજાર કરોડ રૂપિયા ફાળવશે.અમદાવાદને 2036 ઓલિમ્પિક રમતો માટે સંભવિત યજમાન શહેરો પૈકીના એક તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યું હોવાથી, આ વિકાસને વૈશ્વિક જોડાણ અને શહેરી તૈયારીના ભાગ તરીકે જોવામાં આવી રહ્યું છે તેમ જણાવતા આ સુત્રોએ કહ્યું હતું કે, 2026માં નવા ટર્મિનલનું બાંધકામ શરુ થશે અને 2036 પહેલાં બે તબક્કામાં બાંધકામ પૂર્ણ કરવાની યોજના છે. જો ભારત ઓલિમ્પિકનું આયોજન કરવા માટે બિડ જીતી જાય અને અમદાવાદને પસંદ કરવામાં આવેતો નવું ટર્મિનલ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે આંતરરાષ્ટ્રીય ટ્રાફિકના પ્રવાહને હેન્ડલ કરી શકે તેવું હોવું જોઈએ.

આ નવીનીકરણના પહેલા તબક્કામાં હાલના ગુજસેલ ટર્મિનલને શિફ્ટ કરવામાં આવશે. આ નવીનીકરણ બાદ એરપોર્ટની હેન્ડલિંગ ક્ષમતા બમણી એટલે કે વાર્ષિક બે કરોડ થવાની શક્યતા છે. એકવાર કાર્યરત થયા પછી, નવું ટર્મિનલ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કામગીરી બંનેને જોડવામાં આવશે અને મુસાફરો માટે સીમલેસ ટ્રાન્ઝિટને સક્ષમ બનાવશે.
આ પણ વાંચો : ભૂદેવ નારાજ ! ઘેલા સોમનાથ મંદિરમાં મહાપુજા મામલે ભટ્ટ પરિવારની અન્ન જળ ત્યાગની ચીમકી
આ નવીનીકરણ અંગે માહિતી આપતા સુત્રોએ કહ્યું હતું કે, ચેક ઇન કાઉન્ટરમાં વધારો કરવામાં આવશે સાથો સાથ સુરક્ષા ચેક પોઈન્ટ પણ વધારવામાં આવશે. એરોબ્રીજની સંખ્યા 10 કરવામાં આવશે જેને લીધે મુસાફરોને લાઈનમાં ઉભા રહેવાના સમયની બચત થશે.
નવું ટર્મિનલ કાર્યરત થયા પછી હાલનું સ્થાનિક ટર્મિનલ, T1 તોડી પાડવામાં આવશે. હાલના આંતરરાષ્ટ્રીય ટર્મિનલ, T2, ઉપર વિસ્તરણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું હોવાથી, આગામી દિવસોમાં હાલની ભીડ ઓછી કરવા માટે કેટલાક સ્થાનિક કામગીરી ત્યાં ખસેડવામાં આવી શકે છે તેવું પણ જાણકાર સુત્રોએ ઉમેર્યું હતું.
