દારુબંધીને લીધે લગ્નગાળામાં પાડોશી રાજ્યોને ફાયદો: ગુજરાતને 1500 કરોડનું નુકસાન, 500થી વધુ મોટા લગ્નો રાજસ્થાનમાં શિફ્ટ
ગુજરાતના તાજેતરના બજેટમાં પ્રવાસન ઉદ્યોગને ઘણું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે સાથોસાથ વેડ ઇન ગુજરાતનો પણ પ્રચાર કરવામાં આવ્યો છે તો બીજી તરફ ખાસ કરીને હોટેલ ઉદ્યોગ એવું માને છે કે, નશાબંધી અંગેના કેટલાક જુના અને જડ નિયમોને લીધે મોટી મોટી ઇવેન્ટ ગુજરાતની બહાર ખસેડાઈ રહી છે. ખાસ કરીને લગ્નની સીઝનમાં 500 જેટલા મોટા લગ્નો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં શિફ્ટ થઇ જાય છે અને તેને લીધે ગુજરાતને 1500 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.
ગુજરાતમાં અત્યારે બિન નિવાસી ભારતીયો આવે ત્યારે તેમને પરમીટ ઉપર દારુ મેળવવા માટે માત્ર પાંચ દિવસનો જ સમય આપવામાં આવે છે. પાંચ દિવસ જો ચુકી ગયા તો તેમને દારુ મળી શકતો નથી. આ નિયમથી પણ ઘણા લોકો નારાજ છે અને ગુજરાતમાં લાંબુ રહેવાનું ટાળે છે.
હોટેલ ઉદ્યોગે અમદાવાદમાં કોમનવેલ્થ ગેઈમ્સ આવે તે પહેલા નિયમોમાં ફેરફાર કરવાની માંગ પણ કરી છે.
2030 માં કોમનવેલ્થ ગેમ્સ અને 2029 માં વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ અમદાવાદમાં આવી રહી છે, અમદાવાદ અને ગાંધીનગરમાં હોટેલ પ્રોજેક્ટ્સનો પ્રસ્તાવ છે જે આગામી ચારથી પાંચ વર્ષમાં 4,000 થી 5,000 ચાર અને પાંચ સ્ટાર રૂમ ઉમેરી શકે છે. પરંતુ હોટેલિયર્સ અને દારૂની દુકાનના માલિકો કહે છે કે નશાબંધી વિભાગ ડીજીટલ થઇ ગયો છે પણ તેના નિયમો અગાઉના યુગમાં અટવાયેલા છે.
તેઓ કહે છે કે સૌથી મોટી સમસ્યા એક નિયમ છે જેમાં NRIs અને NRGs ને ગુજરાતમાં પહોંચ્યાના પાંચ દિવસની અંદર લાઇસન્સ પ્રાપ્ત દારૂની દુકાનેથી દારુ લઈ લેવો પડે છે. જો આ સમય ચુકી જવાય તો તેમને બાકીના દિવસોના રોકાણ માટે કોઈ પરમીટ આપવામાં આવતી નથી. જયારે અન્ય રાજ્યોમાં આવતા બિન નિવાસી ભારતીયો કે ગુજરાતીઓને સાપ્તાહિક પરમીટ મળે છે. અને જે જિલ્લામાંથી પરમીટ આપવામાં આવી હોય ત્યાં જ રીન્યુ કરી શકાય છે.
ગુજરાતમાં આવા નિયમોને લીધે ઘણા લોકો ગેરકાયદેસર રીતે દારુ મેળવવા માટે પ્રોત્સાહિત થાય છે. આ કારણોસર રાજ્ય સરકાર આવક ગુમાવે છે.
હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે આ પ્રકારના નિયમોને લીધે ગુજરાતનું લગ્નનું માર્કેટ બગડી રહ્યું છે. ગુજરાતના 500 જેટલા મોટા લગ્નો રાજસ્થાનમાં ડેસ્ટીનેશન વેન્યુ ઉપર થાય છે અને ગુજરાતને 1500 કરોડનું નુકસાન થાય છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગીફ્ટ સિટીમાં દારૂ અંગે જે છૂટછાટ આપવામાં આવી છે તેનું સ્વાગત છે. અને આવી જ રીતે એન.આર.આઈ અને એન.આર.જી ઉપરાંત અન્ય રાજ્યોમાંથી ગુજરાતની મુલાકાતે આવનારા લોકો માટે નિયમો હળવા રહેવા જોઈએ. જો સરકાર આમ કરશે તો લગ્ન, હોટલ, પ્રવાસ અને મુસાફરી સહીત અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા આનુષંગિક ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશ.
