વડોદરામાં મોડી રાત બાદ નબીરાઓ બેફામ બનતા હોવાની ઘટનાઓ અવાર-નવાર પ્રકાશમાં આવતી રહે છે. આ ઘટનાઓ રોકવા માટે પોલીસ વિભાગ દ્વારા પ્રયત્નો પણ કરવામાં આવે છે. છતાં તેના પર અંકુશ મેળવી શકાયો નથી. વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ પાસે આવી જ એક ઘટના સામે આવી છે. એક કાર લઇને યુવક નિકળ્યો હતો. આ કાર પુરઝડપમાં કાલાઘોડા સર્કલ પાસે ફતેગંજ તરફ જવાના રસ્તે આવતા ડિવાઇડરમાં આડી ઘૂસી ગઇ હતી. જેને લઇને ડિવાઇડરનો પાળો તુટ્યો હતો.
કારની ટક્કર એટલી જોરદાર હતી કે, તમામ એરબેગ ખુલી ગઇ હતી. સાથે જ કારની આગળના ભાગનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. સાથે આગળના બે ટાયર ફાટી ગયા હોવાનું જોવા મળી રહ્યું હતુ. આ કાર વારસીયા વિસ્તારમાં રહેતો રવિ વિમલદાસ દેવજાણી (રહે. દાજીનગર, વારસીયા) ચલાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ચાલક સાથે આકાશ ઉર્ફે સિંધી ભગવાનદાસ લાલવાણી (રહે. હરે ક્રિષ્ણા ડુપલેક્ષ, વારસીયા રીંગ રોડ) અને ધર્મેન્દ્ર ઇંન્દ્રકુમાર સસદેવ (રહે. વારસીયા, જુના આરટીઓ, સાંઇબાબા એપાર્ટમેન્ટ) તથા સગીરની અટકાયત કરી દેવામાં આવી છે. અકસ્માત સમયે તે નશાની હાલતમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કારમાં લોહીના ડાઘા પણ જોવા મળ્યા હતા.
અકસ્માત થયો હોવાથી કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ જો આ પ્રકારની ઘટના ટ્રાફીકથી સતત ધમધમતા રસ્તા પર દિવસના સમયે સર્જાઇ હોત તો, જાન-માલના નુકશાનનો અંદાજો જ લગાડવો મુશ્કેલ થઇ જાત. હવે આ મામલે પોલીસ તપાસમાં શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.