જામનગરમાં જાહેર મંચ પર ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતા સામસામે આવી ગયા હતા. એક જાહેર કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ વચ્ચે જાહેરમાં શાબ્દિક તુતુ મૈંમૈં જોવા મળી હતી. આ દરમિયાન ધારાસભ્ય રિવાબા જાડેજાએ જામનગરના મેયર બીનાબેનને પણ ખખડાવ્યા હતા. જે તુતુ મૈંમૈંનો ઝઘડો હજુ શાંત થયો નથી. જામનગરમાં MLA અને મેયર વચ્ચેની તકરારથી મેયરના પરિવારમાં નારાજગી જોવા મળી રહી છે, અત્રે જણાવીએ કે, ગઈકાલે પરિવારજનોએ શહેર ભાજપ પ્રમુખને રજૂઆત પણ કરી હતી.
“મારો પરિવાર પ્રતિષ્ઠિત પરિવાર છે”
મેયર બીનાબેનનું રિવાબા સાથેની બોલાચાલી મુદ્દે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મારો પરિવાર પ્રતિષ્ઠિત પરિવાર છે અને મારો પરિવાર ક્યારેય વિવાદમાં આવ્યો નથી. રિવાબાના શબ્દોથી મારા પરિવારની લાગણી દુભાઈ છે. વધુમાં ઉમેર્યું કે, મારા માટે જે દ્વેષ હશે તે ઊભરીને આવ્યો હશે. ધારાસભ્યના આ વર્તન બદલ મારો પરિવાર ડિસ્ટર્બ રહ્યો છે. શહેરના પ્રથમ નાગરિક સાથે આ વર્તન અયોગ્ય છે તેમજ મેં સમગ્ર મામલો હાઈકમાંડને જણાવ્યો છે.
પરિવારજનો શહેર પ્રમુખને રજૂઆત કરી હતી
મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો ગઈકાલે શહેર ભાજપ કાર્યાલય રજૂઆત કરવા પહોંચ્યા હતાં. મેયર બીનાબેનના પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, મેયરનું અપમાન અસહ્ય છે, રિવાબા શબ્દો પાછા ખેંચે એવી માગ પણ કરી હતી. આગામી દિવસોમાં એવું નહીં થાય એવી શહેર પ્રમુખે હૈયા ધારણા પણ આપી હતી.