ગુજરાતમાં મહાપાલિકાની ચૂંટણી મે માસમાં? મ્યુ.કોર્પોરેશનોનો કાર્યકાળ પૂરો થાય પછી વહીવટદારનું શાસન આવે તેવી શક્યતા
આગામી ફેબ્રુઆરી-માર્ચમાં રાજકોટ સહિતની મહાનગરપાલિકાનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે પરંતુ એ સમયગાળામાં ચૂંટણી યોજાઈ શકે તેવા સંજોગો નહી હોવાથી આ ચૂંટણીઓ કદાચ ત્રણ મહિના એટલે કે મે મહિના સુધી પાછળ ધકેલાઈ શકે છે કારણ કે ચૂંટણી પંચ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચલાવી રહ્યું છે અને ઉપરથી બોર્ડ સહિતની પરીક્ષાઓ પણ એ સમયમાં જ છે.આવી સ્થિતિમાં મહાપાલિકાનો કાર્યકાળ પૂરો થયા બાદ વહીવટદારનું શાસન આવી શકે છે.
રાજ્યમાં નવી રચાયેલી નવ મહાપાલિકા સહીત 15 મહાપાલિકામાં ચૂંટણીઓ યોજાવાની છે. આ ઉપરાંત 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોમાં પણ ચૂંટણીઓ યોજાવાની છે.
SIR પ્રક્રિયા ઓક્ટોબરના અંતમાં શરૂ થઈ હતી અને ફેબ્રુઆરીની શરૂઆત સુધી કામગીરી ચાલશે. ચૂંટણી પંચ 7 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવાની અપેક્ષા રાખે છે. આ પછી તરત ચૂંટણીની જાહેરાત થઇ શકે તેમ નથી કારણ કે જાહેરાત થયા પછી નામાંકન, અને પ્રચાર સહિતની ચૂંટણી પ્રક્રિયામાં પાંચથી છ અઠવાડિયાની જરૂર પડે છે.
7 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી બહાર પડ્યા પછી જ ચૂંટણી સમયપત્રકની જાહેરાત કરી શકાય છે. પરંતુ આ વર્ષે ગુજરાતની બોર્ડ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીએ શરૂ થશે, જેના કારણે કામ કરવા માટે ખૂબ ઓછો સમય બચશે. રાજ્ય ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ મે મહિનામાં યોજાવાની શક્યતા છે.
રાજ્ય ચૂંટણી પંચ મહાપાલિકાની ચૂંટણીઓ જૂની મતદાર યાદી સાથે કરાવવાનું વિચારી રહ્યું હોવા છતાં, અધિકારીઓના મતે આનાથી મૂંઝવણ ઊભી થશે કારણ કે મતદારો પહેલાથી જ SIR પ્રક્રિયામાં ભાગ લઈ ચૂક્યા છે. 2027 માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. આવા સંજોગોમાં આ ચૂંટણીઓમાં નવી યાદીનો ઉપયોગ કરવો અને કોઈપણ સમસ્યાઓનું નિરાકરણ લાવવું યોગ્ય છે.
ગત ચૂંટણી વખતે પણ વહીવટદારનું શાસન આવ્યું હતું. ડીસેમ્બરમાં ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂરી થઇ ગઈ હતી અને ચૂંટણી માર્ચ 2021માં યોજવામાં આવી હતી.
