રાજકોટમાં માતા બની હત્યારી : દીકરાને બદલે દીકરીનો જન્મ થતાં સગી જનેતાએ જ કરી હત્યા, વાંચો કાળજું કંપાવનારી ઘટના
રાજકોટમાં રહેતી અને છ વર્ષ પૂર્વે કોટડાસાંગાણીના પીપલાણા પરણાવેલી મુસ્કાન સાજીદ કાયાણી (ઉ.વ.25) નામની મહિલાએ પ્રથમ પુત્રી બાદ પુત્રના બદલે બીજી વખત પણ કૂખે પુત્રી અવતરતા સગ્ગી જનેતા મુસ્કાને દોઢ માસની માસૂમ ફૂલ જેવી પુત્રીને પાણીના ટાંકામાં ડુબાડી હત્યા કર્યાની ધરબાયેલી ઘટનાનો ચાર માસ બાદ ઘટસ્ફોટ થયો છે. કોટડાસાંગાણી પોલીસે જમ બનેલી જનેતા સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
પીપલાણાના સાજીદ ગુલાબભાઈ કાયાણીએ પત્ની મુસ્કાને બે માસની પુત્રી આયેશાને ઘરે રસોડાના પાણીના અન્ડરગ્રાઉન્ડ ટાંકામાં નાખીને ડુબાડી હત્યા નિપજાવ્યાના આરોપસર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગતો મુજબ સાજીદના છ વર્ષ પૂર્વે રાજકોટના ન્યુ સાગર સોસાયટી શેરી નં.7માં રહેતા ઈસ્તામીલભાઈ હબીબભાઈ સાંઘની પુત્રી મુસ્કાન સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન પાંચ વર્ષ પૂર્વે તા.5-7-2020ના રોજ પુત્રી નુરેનાનો જન્મ થયો હતો. ત્યારબાદ ગત તા.15-3-25ના રોજ બીજી પુત્રી આયેશાનો જન્મ થયો હતો. પુત્રીના જન્મ સમયે મુસ્કાન પિયરમાં બે માસ રોકાઈ હતી. ત્યારબાદ સાસરે પીપલાણા પરત આવી હતી.
આ પણ વાંચો :રાજકોટના લક્ષ્મીનગર નાલા પાસે-નાના મવામાં મનપાનું ડિમોલિશન : 94 કરોડની જગ્યા ખુલ્લી કરાવાઈ
દંપતી તથા બન્ને બાળકી એક જ ઘરમાં માતા-પિતા નાના ભાઈ તેના પત્નીથી અલગ રહેતા હતા. સાજીદ કારખાનામાં મજૂરીકામ કરે છે. જ્યારે અન્ય પરિવારજનો ખેતીકામ કરે છે. તા.23-5-2025ના રોજ સાજીદ બપોરે ઘરે જમવા આવ્યો હતો, તેના માતા-પિતા પરિવારજનો પણ ઘરે હતા. નાની પુત્રી આયશાને રમાડતા હતા. જમીને સાજીદ નોકરી પર ગયો અને માતા-પિતા, નાનો ભાઈ, તેની પત્ની વાડીએ ખેતીકામ માટે ગયા. સાંજે માસૂમ બાળકી ગૂમ થઈ હતી. પરિવારજનોએ બધાએ શોધતા ઘરના રસોડાના પાણીના ભૂગર્ભ ટાંકામાંથી મળી આવી હતી. દવાખાને લઈ જતાં બે માસની બાળકીને મૃત જાહેર કરાઈ હતી. જે તે સમયે બાળકીની દફનવિધિ કરી નખાઈ હતી. બાળકીના મૃત્યુ અંગે પત્ની પર શંકા ઉપજતી હોવાથી પાંચેક દિવસ બાદ પત્ની મુસ્કાનને પિયર મોકલી દીધી હતી.
જે તે સમયે જ બાળકીનું મૃત્યુ મુસ્કાને નિપજાવ્યાનું ખૂલ્યું હતું પરંતુ ઘરમેળે છૂટું કરવાનું હતું. પત્ની સાથે છૂટુ ન થતાં અને પત્ની મુસ્કાને પતિ સાજીદ, સાસુ-સસરા, અન્યો સામે ફરિયાદ કરી હતી. જેને લઈને સાજીદે પત્ની મુસ્કાનને પુત્ર જોઈતો હતો. બીજી વખત પ્રસૂતિતમાં પુત્રી જ અવતરતા પુત્રી ન જોઈતી હોવાથી ઘરમાં પાણીના ટાંકામાં ડુબાડીને હત્યા કર્યાના આરોપસર ફરિયાદ નોંધાવી હતી.
માસૂમ બાળકીની હત્યા કરીને પતિને ફોન કર્યો કે પુત્રી ગૂમ છે
ક્રુર બનેલી માતા મુસ્કાને બે માસની માસૂમ પુત્રી આયેશાની ઘરમાં જ રસોડાના ટાંકામાં ડુબાડી દઈ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પતિને ફોન કર્યો કે આયેશા ઘોડીયામાં નથી. સાજીદ કારખાનેથી ઘરે આવવા નીકળ્યો અને વાડીએ ગયેલા માતા-પિતા, ભાઈને જાણ કરતાં તેઓ પણ તુરતં જ ઘરે પહોંચ્યા હતા. ઘરના રસોડામાં બાળકી પડી હતી જેને કાઢીને કાકા, ભાઈ, પાડોશી ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં મૃત જાહેર કરાઈ હતી.
પિયરમાં જઇને ભાઇને કહી દીધું કે પોતે જ પુત્રીને ટાંકામાં ડુબાડી દીધી
બાળકીના મૃત્યુ બાદ શંકા જતાં જ પાંચ દિવસમાં જ પત્ની મુસ્કાનને પિયર રાજકોટ મોકલી દીધી હતી. પિયરે આવેલી મુસ્કાનને બીજા દિવસે ભાઈ મોસીને બાળકી બાબતે પૂછતા મુસ્કાને ભાઈને કહી દીધું કે પોતે જ આયેશાને પાણીના ભોં ટાંકામાં નાખી દીધેલ છે જેથી મોસીને બનેવી સાજીદને ફોન કર્યો કે મુસ્કાને કબુલ્યું છે. ત્યારબાદ સાળાની પત્ની સાહિસ્તાએ પણ સાજીદને મેસેજ કર્યો હતો કે આયેશાને પાણીના ટાંકામાં નાખી દીધાનું મુસ્કાને કબુલ કર્યું છે. જેથી સાજીદે ઘરે વાત કરતાં ઘરના સભ્યોએ મુસ્કાન સાથે છૂટું કરી નાખવાનું નક્કી કર્યું હતું જેથી એ સમયે સાજીદે પત્ની સામે ફરિયાદ નોંધાવી ન હતી. જો કે પુત્રીની હત્યા થયાની ઘટના જે તે સમયે ખુદ પિતા સાજીદે પણ છૂપાવી હતી અને હવે ચાર માસ બાદ ઘટસ્ફોટ થયો.