ગીરના જંગલમાં 10થી વધુ રિસોર્ટ અને ફાર્મહાઉસ સીલ
હાઇકોર્ટના આદેશ બાદ તંત્રની તવાઇ ઉતરીઃ ભોજદે ગીર વિસ્તારમાં કાર્યવાહી
વન વિભાગની મંજૂરી વગર રિસોર્ટ ખડકાઇ ગયા હતા
ગીરના જંગલમાં િંસહ જોવા માટે આવતા પ્રવાસીઓના ધસારાનો લાભ લેવા માટે ઘણા લોકો ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે. થોડા સમય પહેલા િંસહ દર્શનની પરમિટનું કૌભાંડ બહાર આવ્યા બાદ હવે વધુ એક વખત ગીરનું જંગલ ચર્ચામાં છે. જંગલ વિસ્તારમાં મંજુરી વગર ખડકાઈ ગયેલા રિસોર્ટ અને ફાર્મહાઉસ ઉપર હવે તંત્રની તવાઈ ઉતરી છે અને ભોજદે ગીર વિસ્તારમાં 10 જેટલી મિલકતો સીલ કરી દેવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, જંગલ વિસ્તારમાં હોટલ, રિસોર્ટના બાંધકામ થયા છે સાથોસાથ ફાર્મ હાઉસમાં પણ નિયમનો ઉલાળિયો કરવામાં આવે છે તેવી ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોના આધારે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે આવા ગેરકાયદે રિસોર્ટ સામે પગલાં લેવા આદેશ આપ્યો હતો. આ આદેશના પગલે પગલે મામલતદારે કડક કાર્યવાહી કરીને આવી મિલકતો સીલ કરી દીધી હતી.
સરકારી સુત્રો અનુસાર, વન વિભાગની મંજુરી વગર ભોજદે ગીરમાં ચાલતા 10થી વધુ ફાર્મ હાઉસને સીલ કરી દેવામાં આવ્યા છે. હાઈકોર્ટના આદેશને પગલે કલેક્ટરે સરવે હાથ ધર્યો હતો, જેમાં ફાર્મ હાઉસ અને રિસોર્ટ જરૂરી મંજુરી વગર ધમધમતા હોવાનું ખૂલ્યું હતું. આ સર્વેના રીપોર્ટના આધારે તાલાલા મામલતદારે વન વિભાગને સાથે રાખી કરેલી કાર્યવાહીમાં 10થી વધુ ફાર્મ હાઉસને ‘ખંભાતી તાળાં’ મારી દીધા છે. િંસહદર્શનના નામે ગીર જંગલમાં અભ્યારણ્ય પાસે આડેધડ રિસોર્ટ, હોટલ, ફાર્મ હાઉસ બની ગયા છે બીજી તરફ િંસહોને તેમનું ગમતું, પ્રાકૃતિક રહેઠાણ વધવાને બદલે ઘટી રહ્યું હોય અને તેની વસ્તી વધતા તે જંગલ બહાર જવા મજબૂર બની રહ્યાની પ્રકૃતિપ્રેમીઓની ફરિયાદો અને રજૂઆતો થઈ રહી છે.
આ સ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ બાદ ધારી, સાવરકુંડલા, ખાંભા, જાફરાબાદ, રાજુલા અને બગસરા તાલુકાના 124 ગામોમાં રીસોર્ટ્સ, હોટલ, ફાર્મ હાઉસ સહિતના અનધિકૃત બાંધકામોનો સર્વેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દસેક વરસ પહેલા પણ તંત્ર દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ તંત્રની પક્કડ ઢીલી પડતા જ ફરી વખત આવા ખોટા બાંધકામ થઇ ગયા હતા.
