સાદુળકા ગામની ઘટના હજુ તાજી જ છે ત્યાં બીજી દુર્ઘટના સર્જાઈ
મોરબી : માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે બુધવારે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ માસુમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે.ઉલ્લેખનીય છે કે, આ બાળકો ઘેરથી કહ્યા વગર તળાવમાં ન્હાવા ગયા હોવાનું અને ત્રણેય બાળકોના પિતા મજૂરીકામ કરતા હોવાનું જાણવા મળે છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે રહેતા શૈલેષ અમરશીભાઇ ચાવડા ઉ.8, ગોપાલભાઈ કાનજીભાઈ ચાવડા ઉ.12 અને મેહુલ ભુપતભાઇ મહાડિયા ઉ.10 નામના બાળકો બુધવારે બપોરના સમયે ગામના તળાવમાં ન્હાવા જતા ડૂબી જવાથી ત્રણેય બાળકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માળીયા મિયાણા પોલીસે જણાવ્યું હતું.બાળકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ગામમાં આવેલ તળાવમાં બાળકો કહ્યા વગર ન્હાવા જતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
વર્ષામેડી ગામે બનેલી આ ઘટનામાં શૈલેષ અમરશીભાઇ ચાવડા ઉ.8, ગોપાલભાઈ કાનજીભાઈ ચાવડા ઉ.12 નામના બન્ને બાળકો કૌટુંબિક ભાઈ થતા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયામાં મોરબીના મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોરબી તાલુકાના સાદુળકા નજીક નદીમાં ન્હાવા પડેલા એક યુવાન અને બે સગીરના મૃત્યુ નિપજવાની ઘટનાં હજુ તાજી જ છે ત્યાં બીજી દુર્ઘટના સર્જાતા અરેરાટી વ્યાપી જવા પામી છે.