મોરબી PGVCLના નાયબ ઈજનેર અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા : ACBએ છટકું ગોઠવી રંગે હાથ ઝડપ્યા
એક તરફ સરકાર સોલાર લગાવવા સબસીડી સહિતના પ્રોત્સાહન આપી લોકોને સૌરઉર્જા વપરાશ કરવા પ્રેરણા આપી રહ્યા છે ત્યારે મોરબી PGVCLના ક્લાસ વન અધિકારી સોલાર પેનલ લગાવતા પ્રજાજનો અને સોલાર પેનલ લગાવવાની કામગીરી કરતા ધંધાદારીઓ પાસેથી તગડી લાંચ લેતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોરબીના સોલાર પેનલ કંપનીના ધંધાર્થી પાસેથી વચેટિયા મારફતે રૂ.20 હજારની લાંચ લેનાર વચેટિયા અને અધિકારીને રાજકોટ એસીબીએ PGVCL કચેરી, વેજીટેબલ રોડ પાસેથી ઝડપી લેતા PGVCLના એમડી સહિતના અધિકારીઓ ચોકી ઉઠ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતી કંપનીના સંચાલકે બે કંપનીના સોલાર પ્લાન્ટનું કામકાજ કરેલ હોય જે બન્ને સોલાર પ્લાન્ટમાં સમયસર ઇલેક્ટ્રિક મીટર લગાવવા તથા લગાવેલ સોલાર પ્લાન્ટમાં કોઇપણ પ્રકારની હેરાનગતિ ન કરવા બાબતે મોરબી PGVCLના ક્લાસ વન અધિકારી એવા નાયબ ઈજનેર મિનેષભાઇ અરજણભાઇ જાદવે ફરિયાદી પાસેથી રૂ.૨૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જો કે, ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ના હોય રાજકોટ ગ્રામ્ય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા એસીબીએ શુક્રવારે સાંજે લાંચનું છટકું ગોઠવ્યું હતું.
આ પણ વાંચો : અમૂલ દૂધમાં કીટનાશક…દુધની ગુણવત્તા ઉપર સવાલ ઉઠાવનાર રાજકોટના ડોક્ટર સામે ફરિયાદ,જાણો શું છે મામલો
વધુમાં એસીબીના લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નાયબ ઈજનેર મિનેષભાઇ અરજણભાઇ જાદવએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આ ગેરકાયદેસર લાંચની રકમ PGVCL કચેરી, વેજીટેબલ રોડ પાસે આરોપી પ્રવીણભાઇ નાનજીભાઇ માકાસણા આપવાનું કહેતા આરોપી પ્રવીણભાઇ નાનજીભાઇ માકાસણા ફરીયાદી પાસેથી ગેરકાયદેસર લાંચની રકમ રૂ.૨૦,૦૦૦ સ્વીકારતા જ એસીબી ત્રાટકી હતી અને સ્થળ ઉપરથી બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. PGVCLના ક્લાસ વન અધિકારી વચેટિયા મારફતે લાંચ લેતા પકડાઈ જતા વીજ કર્મચારીઓમાં સોપો પડી ગયો હતો અને મામલો છેક કોર્પોરેટ કચેરી અને એમડી સુધી પહોંચ્યો હતો. લાંચના છટકાની આ કાર્યવાહી એસીબીના ટ્રેપિંગ અધિકારી પીઆઇ જે.એમ.આલ, રાજકોટ ગ્રામ્ય તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
