આ તારીખ બાદ ફરી ચોમાસું જમાવટ કરશે : ટંકારાના નેસડા ગામના હવામાન નિષ્ણાંતે કરી આગાહી
રાજ્યમાં સમયસર ચોમાસાના પ્રારંભ બાદ બે સારા રાઉન્ડ આવી ગયા છે. જો કે, હાલમાં ખેડૂતોના ખરીફ વાવતેર ઉપર વરસાદની તાતી જરૂરત છે તેવા સમયે જ મેઘવિરામ જેવી સ્થિતિ છે. જો કે, સારા વરસાદની રાહ જોતા ખેડૂતો માટે ટંકારાના નેસડા ગામના હવામાન નિષ્ણાંત કિશોર ભાડજાએ જન્માષ્ટમી સુધી હળવા ઝાપટા બાદ 17 ઓગસ્ટથી ચોમાસું ધીમે ધીમે જમાવટ કરશે અને સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરી છે.
આ પણ વાંચો : દેશભક્તિનો અદભુત્ત નજારો : રાજકોટમાં રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા’,મોટી સંખ્યામાં લોકો જોડાયા
ટંકારા તાલુકાના નેસડા ખાનપરના રહેવાસી કિશોર ભાડજા આકાશ દર્શનની પરંપરા અને અનુભવના આધારે આ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, સૂર્ય 16 ઓગસ્ટ 2025ની રાત્રે 1:54 કલાકે મધા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યારે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં હશે, જેનું વાહન દેડકો છે. આ સમયથી વરસાદી વાતાવરણ બંધાવાની શરૂઆત થશે. 17ઓગસ્ટથી ચોમાસું આગળ વધશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, 30 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે 21:45 કલાકે સૂર્ય પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યારે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં હશે, જેનું વાહન ભેંસ છે.
આ પણ વાંચો : ઓર્ડર-ઓર્ડર : રાજકોટમાં ચાલુ કોર્ટે જિલ્લા સરકારી વકીલ અને અન્ય એડવોકેટ વચ્ચે થઈ ફડાકા વાળી! જાણો શું છે સમગ્ર મામલો
ત્યારબાદ 13 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 15:42 કલાકે સૂર્ય ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યારે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હશે, જેનું વાહન શિયાળ છે. આ સમયગાળા દરમિયાન, ખાસ કરીને પાંચમા નોરતા સુધી વરસાદની પુરે પુરી સંભાવના છે, જે શિયાળુ વાવેતર માટે પૂરતું પાણી પૂરું પાડશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ખગોળીય આગાહીકારો દ્વારા આ વર્ષે 16 આની વર્ષ થવાની આગાહી કરી છે અને ખાસ કરીને પાછોતરો વરસાદ વધુ હોવાનું જાહેર કર્યું છે ત્યારે ટંકારાના કિશોરભાઈએ પણ જગતના તાતને ખુશી મળે તેવી આગાહી કરી છે. બીજીતરફ ખાનગી હવામાન એજન્સીઓ પણ તા.17 બાદ સારા વરસાદની આગાહી કરી રહી છે.
