ચોમાસાએ રાજકોટ જિલ્લામાં 3 માનવી અને 45 પશુઓનો ભોગ લીધો : જિલ્લા પંચાયત દ્વારા રાહત-મૃત્યુ સહાય ચૂકવાઈ
રાજ્યમાં ઓણસાલ ચોમાસા બાદ કમોસમી વરસાદે વિનાશ વેરી ખેડૂતોને પારાવાર નુકશાન પહોચાડ્યું છે ત્યારે ચોમાસામાં પણ પુરના પ્રવાહમાં તણાઈ જવાથી માનવ મૃત્યુ અને પશુ મૃત્યુના અનેક બનાવો વચ્ચે ભારે વરસાદથી મકાન પડી જવાની ઘટનાઓ બની હતી. રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુ -2025 દરમિયાન માનવમૃત્યુના ત્રણ બનાવ, પશુ મૃત્યુના 45 બનાવ તેમજ મકાન-કેટલ શેડ પડી જવાના અલગ -અલગ બનાવમાં રૂ.30,54,500ની રાહત સહાય ચૂકવી હતી.
રાજકોટ જિલ્લા પંચાયતના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસા દરમિયાન રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિમાં માનવ મૃત્યુના ત્રણ બનાવ બન્યા હતા જેમાં ઉપલેટા અને પડધરીમાં ચોમાસા દરમિયાન તેમજ ગોંડલમાં કમોસમી વરસાદમાં માનવ મૃત્યુના બનાવ બનતા ભોગ બનનારના પરિજનોને રાજ્ય સરકારના નિયમ મુજબ 4-4 લાખ લેખે કુલ 12 લાખની સહાય ચુકવવામાં આવી હતી.
આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુ -2025 દરમિયાન પશુ મૃત્યુના અલગ અલગ 45 બનાવમાં પશુ માલિકોને રૂપિયા 8,14,500 સહાય ચુકવવામાં આવી હતી. સાથે જ જસદણ, ધોરાજી અને જેતપુરમાં એક એક કિસ્સામાં મકાન પડી જવાથી રાજકોટ તાલુકામાં એક કિસ્સામાં કેટલ શેડ પડી જવાથી, વિછિયામાં ત્રણ કિસ્સામાં મકાન પડી જવાથી તેમજ ઉપલેટામાં બે કિસ્સામાં મકાન પડી જવાથી કુલ રૂપિયા 40 હજારની ઘરવખરી સહાય ચુકવવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
