ફરી ચોમાસુ !! કાલે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારમાં મેઘરાજા વરસી શકે છે
ચોમાસાની વિદાય વચ્ચે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના હવામાનમાં છેલ્લા ત્રણેક દિવસથી પલટો આવ્યો છે અને અનેક જિલ્લાઓમાં ફરીથી વરસાદ શરૂ થયો છે. જો કે, હાલમાં આ સિસ્ટમ વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા બની જતા આજે અને આવતીકાલે અનેક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આજે હવામાન વિભાગના, મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી દિવસોમાં તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી આપી છે. આવતીકાલે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
જયારે તા.15મીએ પણ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.સાથે જ આગામી બે દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાંથી હજી ચોમાસું સત્તાવાર રીતે વિદાય થયું ન હોવાનું જણાવ્યું હતું.