મમ્મી મને માફ કરજે… સુરતમાં માતાનો ફોન પાણીમાં પડી જતાં 12 વર્ષની બાળકીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
સુરતના કતારગામમાં માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી જતા ડરના માર્યે 12 વર્ષની બાળકીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બાળકીએ લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હોવાથી આપઘાત કરી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને માફી માંગી હતી.
કતારગામમાં રહેતા એક પરિવારની માસૂમ બાળકીએ આપઘાત કરવાની ઘટના સામે આવી છે. 12 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. બાળકીના આપઘાતને લઈને પરિવારને કંઈક અઘટિત થયાની શંકા ગઈ હતી. પોલીસને બાળકીના આપઘાતની ઘટનાની જાણ કરવામાં આવી. પોલીસે ઘટનાની તપાસ કરતાં તેમના હાથમાં બાળકીએ લખેલ સ્યુસાઈડ નોટ મળી આવી હતી . આ સ્યુસાઈડ નોટ વાંચતા પોલીસને પણ આંચકો લાગ્યો અને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. બાળકીએ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે ” મમ્મી મને માફ કરી દેજે, મારાથી ફોન પાણીમાં પડી ગયો છે, હું આપઘાત કરું છું ”. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોબાઈલ પાણીમાં પડી જવા જેવી સાવ સામાન્ય બાબતમાં બાળકીએ એટલી બધી ગભરાઈ કે જીવન સમાપ્ત કરવાનું પગલું લઈ બેઠી. પાણીમાં પડી ગયેલ મોબાઈલના કારણે પરિવારના સવાલોના જવાબ આપવા પડશે. અને આ સવાલોના ડરથી 12 વર્ષની બાળકીએ અંતિમ પગલું લીધું અને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો . આ ઘટના માતા-પિતા માટે ચેતવણીરૂપ છે. કારણ કે આજે મોબાઈલ તમામ લોકો માટે અગત્યના દસ્તાવેજની જેમ સાધન બન્યો છે. કહી શકાય કે બાળકોથી લઈને વયસ્કોમાં પણ આજે મોબાઈલની લત જોવા મળે છે. જ્યારે તેમની પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે ત્યારે તેઓ વધુ આક્રોશિત થઈ જાય છે. આ કિસ્સામાં પણ બાળકી ગભરાઈ ગઈ કે મોબાઈલ પાણીમાં પડી ગયો છે તો હવે માતા-પિતા તેને ઠપકો આપશે. આજે બાળકો વધુને વધુ સંવેદનશી બનવા લાગ્યા છે. .