પાંચ વર્ષમાં 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવા છે : મોદી
- દેશની કરોડો માતા-બહેનોના આશીર્વાદની સંપત્તિ મારુ સુરક્ષા કવચ છે
- ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથોની ૨.૫ લાખથી વધુ મહિલાઓને રૂ.૪૫૦ કરોડની સહાય અર્પણ
નવસારી : ગુજરાત મુલાકાતના બીજા દિવસે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતે આયોજિત ‘લખપતિ દીદી સંમેલનને સંબોધી આગામી પાંચ વર્ષમાં 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું જાહેર કર્યું હતું. આ તકે પીએમ મોદીએ બહેનોને જણાવ્યું હતું કે, પ્રયાગરાજના પવિત્ર મહાકુંભમાં મા ગંગાના આશીર્વાદ મળ્યા અને હવે નવસારીમાં માતૃશક્તિના મહાકુંભમાં લાખો લખપતિ દીદીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે.આ અવસર પોતાના જીવનની ગૌરવભરી ક્ષણ હોવાનું જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, વાર્ષિક એક લાખ કે તેથી વધુની આવક સાથે મહિલાઓ ઉદ્યોગ સાહસિક બની છે અને વિકાસમાં ભાગીદાર બની છે. ભારતની નારીશક્તિએ દેશના વિકાસની બાગડોર સંભાળી લીધી છે, પરિણામે ‘વિકસિત ભારત@૨૦૪૭’નો સંકલ્પ પૂર્ણ થઈને જ રહેશે.વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણીમાં વડાપ્રધાનના હસ્તે રાજ્યના ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથોની ૨.૫ લાખથી વધુ મહિલાઓને રૂ.૪૫૦ કરોડની સહાય અર્પણ કરવામાં આવવી હતી.વડાપ્રધાને અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું વડાપ્રધાને લોન્ચિંગ પણ કર્યું હતું સાથે જ આગામી પાંચ વર્ષમાં 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું જાહેર કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગર્વથી કહ્યું હતું કે, મારી જિંદગીના ખાતામાં દેશની કરોડો માતૃશક્તિના આશીર્વાદ જમા થયા છે. કૃપા અને આશીર્વાદથી વિશ્વનો સૌથી વધુ ધનિક હોવાની લાગણી થઈ રહી છે. માતા-બહેનોના આ આશીર્વાદની જમા પૂંજી સતત વધી રહી છે, તેમના આશીર્વાદ મારી સંપત્તિ અને સુરક્ષા કવચ બન્યું છે. ગ્રામીણ બહેનોનું સામાજિક ઉત્થાન થાય, જીવનધોરણ ઊંચું આવે અને આર્થિક રીતે પગભર બને તે માટે ગ્રામીણ વિસ્તારોમાં સ્વસહાય જૂથોની રચના કરી તેને આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરીને આર્થિક પગભર કરી લખપતિ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. લખપતિ દીદી પરિવારની પ્રગતિનો આધાર બની રહી છે એમ પણ વડાપ્રધાને કહ્યું હતું.
ગુજરાતમાં હાલ ૧.૫૦ લાખ લખપતિ દીદી છે અને ગુજરાત સરકારે રાજ્યમાં સ્વસહાય જૂથોની ૧૦ લાખ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું અભિયાન છેડ્યું છે, તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ગુજરાતે સહકારિતા ક્ષેત્રનું સફળ મોડેલ આપ્યું છે, તેના મૂળમાં લાખો મહિલાઓનો પરિશ્રમ છે. ગામે ગામ દૂધ ઉત્પાદનની ક્રાંતિ સર્જનાર અમૂલ, ગૃહ ઉદ્યોગને નવી ઊંચાઈ આપનાર લિજ્જત પાપડ જેવી ગ્લોબલ બ્રાન્ડની સફળતાનો શ્રેય ગ્રામ્ય મહિલાઓના ફાળે જાય છે એમ જણાવી ગ્રામીણ અર્થવ્યવસ્થાને તાકાત આપવામાં મહિલાઓની ભૂમિકા આપી હતી.
મહિલાઓને ઝડપી ન્યાય માટે 800 ફાસ્ટટ્રેક કોર્ટ
વિશ્વ મહિલા દિવસે મહિલાઓની સુરક્ષા માટે સરકારે લીધેલા અનેકવિધ પગલાંઓ, નિર્ણયોની છણાવટ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મહિલા અપરાધો આચરતા ગુનેગારોને સખ્ત અને ઝડપી સજા થાય એ માટે દેશમાં ૮૦૦ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી છે. જેના થકી રેપ અને પોકસોના ત્રણ લાખ કેસોમાં ઝડપી ચૂકાદાઓ આવ્યા છે અને સમાજના રાક્ષસોને ફાંસી, આજીવન કેદ જેવી કડક સજા મળી છે. રેપ કેસમાં ૭ દિવસમાં આરોપપત્ર તેમજ ૪૫ દિવસમાં સજા થાય એવી જોગવાઈ કરી છે.
પીએમ આવાસ યોજના થકી 3 કરોડ મહિલાઓ ઘર માલિક બની
વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ મક્કમ ગતિએ ડગ માંડી રહેલા ભારતના વિકાસમાં મહિલાઓના યોગદાનની નોંધ લેતા વડાપ્રધાન મોદીએ ભૂતકાળમાં મહિલા વિકાસ પ્રત્યેની ઉપેક્ષા તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે મહિલાઓને વર્તમાન સરકારેલા આપેલા સન્માન સંદર્ભે કહ્યું કે, જરૂરિયાતમંદો માટે આવાસોના માલિક મહિલાઓ બને તે પરંપરા ગુજરાતે શરૂ કરી હતી, જે આજે સમગ્ર દેશમાં લાગુ થઈ છે. પીએમ આવાસ યોજના હેઠળ દેશની ૩ કરોડ મહિલાઓ ઘરની માલિક બની છે.
દીકરીઓ ઘર પરિવારનો આધાર બની છે : મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં આજે દીકરીઓ લખપતિ દીદી બનીને આત્મનિર્ભરતા સાથે ઘર-પરિવારનો મોટો આર્થિક આધાર બની છે. એટલું જ નહિ, બહેનોના હુનર-કૌશલ્યને નવી તાકાત આપીને સખી મંડળોનો વિચાર વડાપ્રધાને આપ્યો છે સાથે જ ગ્રામીણ બહેનોને ડ્રોન પાયલોટ બનાવવાની તાલીમ માટે નમો ડ્રોન દીદી યોજનાની ભેટ આપી છે. આ યોજનાના માધ્યમથી બહેનો હવે ખેતરોમાં આ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને લાખો રૂપિયાની કમાણી કરતી થઈ છે અને લખપતિ દીદી બની છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.