11મીએ મોદી અને 12મીએ અમિત શાહ રાજકોટમાંઃ મુખ્યમંત્રી બે દિવસ રોકાશે, વાઇબ્રન્ટ સમિટમાં સામાન્ય જનતાને નો-એન્ટ્રીઃ અન્ય પ્રદર્શનમાં જઇ શકશે
11 અને 12 જાન્યુઆરીએ રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ રિજનલ સમિટનું આયોજન થવાનું છે જેની તૈયારી માટે અત્યારે દરેક સરકારી તંત્ર વ્યસ્ત થઈ ગયું છે. બીજી બાજુ આ બે દિવસ રાજકોટમાં વીવીઆઈપી મૂવમેન્ટ પણ જબરદસ્ત રહેવાની છે કેમ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના દિગ્ગજો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન 11 જાન્યુઆરીને રવિવારે રાજકોટ આવી જશે અને તેમના હસ્તે જ સમિટનું ઉદ્ઘાટન કરાશે. આ સમયે તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના ટોચના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. જ્યારે બીજા દિવસે એટલે કે 12 જાન્યુઆરીને સોમવારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ વાઇબ્રન્ટ સમિટની મુલાકાત લેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. બે દિવસ દરમિયાન વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજકોટ આવી રહ્યા હોય તા.11 જાન્યુઆરીએ મુખ્યમંત્રી રાજકોટમાં જ રોકાણ કરશે.
આ અંગે વધુમાં જાણવા મળેલી વિગત પ્રમાણે રવિવારે બપોરે 2ઃ40 વાગ્યા સુધીમાં વડાપ્રધાન મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચી જશે. જો કે તે પહેલાં જૂના એરપોર્ટથી માધાપર ચોકડી સુધીનો રોડ-શો યોજાશે. વડાપ્રધાન હિરાસર એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ ત્યાંથી હેલિકોપ્ટર મારફતે જૂના એરપોર્ટ ઉપર ઉતરાણ કરશે અને અહીંથી ખાસ વાહનમાં રોડ-શોમાં સામેલ થશે. તેમનો રોડ શો જૂના એરપોર્ટથી શરૂ થઈ મેયર બંગલોવાળા રસ્તે થઈને આમ્રપાલી અન્ડરબ્રિજમાંથી પસાર થશે અને ત્યાંથી રૈયા ચોકડી થઈને માધાપર ચોકડીએ પહોંચીને રોડ-શો પૂર્ણ થશે. અહીંથી આખોયે કાફલો મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચશે.
વડાપ્રધાન તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી રાજકોટ આવી રહ્યા હોવાથી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)ની ટીમ 6 જાન્યુઆરીએ રાજકોટ આવીને કાર્યક્રમનું સ્થળ તેમજ રોડ-શોના રૂટ સહિતનું નિરીક્ષણ કરશે. ખાસ કરીને રોડ-શો નહેરુનગર, આઝાદ ચોક, કનૈયા ચોક સહિતના વિસ્તારમાંથી પસાર થનાર હોવાથી ત્યાં પોલીસનો વિશેષ બંદોબસ્ત તૈનાત રહેશે.
એકંદરે 11 જાન્યુઆરીએ બપોરે 4ઃ30 વાગ્યા આસપાસ કાર્યક્રમ પૂર્ણ કરીને વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે હિરાસર એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી સીધા મુંબઈ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના થનાર હોવાનું જાણવા મળ્યું હતું.
સમિટમાં સામાન્ય જનતાને નો-એન્ટ્રીઃ અન્ય પ્રદર્શનમાં જઇ શકશેઃ મીડિયા માટે બે માળની વ્યવસ્થા કરાઇ
વાઇબ્રન્ટ સમિટમાં 3500થી વધુ ઉદ્યોગપતિ સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેમાં સામાન્ય જનતાને પ્રવેશ આપવામાં આવશે નહીં. જો કે અન્ય પ્રદર્શન જેમાં સ્વદેશી ઉત્પાદન ઉપરાંત હથિયારનું પ્રદર્શન, સ્ટાર્ટઅપ, એમએસએમઈ માટેના વિશેષ પેવેલિયન સહિતની મુલાકાત લઈ શકાશે. જ્યારે રાજકોટ સહિત દેશ-વિદેશના મીડિયા માટે મારવાડી યુનિવર્સિટી કેમ્પસની સામે આવેલા `ટેગોર’ બિલ્ડિંગમાં બીજા અને ત્રીજા માળે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે સમિટ જ્યાં યોજાવાની છે ત્યાં ડોમમાં પણ મીડિયા માટે અલાયદી વ્યવસ્થા કરવા તૈયારીઓ ચાલી રહી છે.
પોલીસ કમિશનર કચેરીમાં બંદોબસ્તને લઈને બેઠકનો ધમધમાટઃ બહારથી અધિકારીઓ આવશે.
વાઇબ્રન્ટ સમિટ ઉપરાંત વડાપ્રધાનનો રોડ-શો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ટોચના નેતાઓ રાજકોટ આવી રહ્યા હોય તેમની સુરક્ષા-વ્યવસ્થા માટે પોલીસ કમિશનર કચેરીમાં એક બાદ એક બેઠક મળી રહી છે. આ કાર્યક્રમ સૌથી મોટો હોય તેના માટે અન્ય શહેર-જિલ્લાના પોલીસ અધિકારીઓને પણ બંદોબસ્ત માટે રાજકોટ બોલાવવામાં આવનાર હોવાનો ગુરૂવારે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
વાઇબ્રન્ટમાં ઉપસ્થિત રહેવા 6400થી વધુનું રજિસ્ટ્રેશનઃ હથિયાર સહિતનું પ્રદર્શન બે દિવસ લંબાવવા વિચારણા
જાણવા મળેલી વિગત પ્રમાણે મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા માટે 3500થી વધુ ઉદ્યોગપતિ સહિતનાનું રજિસ્ટ્રેશન થયું છે જેના પાસ ઈશ્યુ કરવા સહિતની તૈયારીઓ હાલ ચાલી રહી છે. બીજી બાજુ હથિયાર ઉપરાંત કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓ સહિતના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હોય તે વાઇબ્રન્ટ સમિટ પૂર્ણ થઈ ગયા બાદ પણ બે દિવસ સુધી લંબાવવા માટે વિચારણા ચાલી રહી છે.
યુક્રેન, જાપાન, કોરિયા, રવાન્ડા દેશના વડા બનશે રાજકોટના `મહેમાન’
વાઇબ્રન્ટ સમિટમાં ચાર દેશ જેમાં યુક્રેન, જાપાન, કોરિયા અને રવાન્ડાના વડાઓ ભાગ લેશે. તેઓ 11 જાન્યુઆરીએ વડાપ્રધાનની સાથે જ રાજકોટની મુલાકાત લેશે.
