મંત્રી બાબરિયાએ રાજકોટ એઈમ્સના વખાણ કર્યા, વકીલે ટોણો માર્યો, બે વર્ષથી આરોગ્ય કેન્દ્ર તૈયાર છે, શરૂ કરાવો!
રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર ગુજરાતની સૌપ્રથમ એઈમ્સ હોસ્પિટલ કાર્યરત છે જ્યાં દરરોજ કોઈને કોઈ નવી સુવિધાનો પ્રારંભ થઈ રહ્યો હોય લોકોને પૂરતી સારવાર મળી રહી છે. જો કે આ એઈમ્સ હોસ્પિટલના નામે પોતાની પ્રસિદ્ધિ મેળવી લેવાના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને જાણે કે અભરખાં હોય તેવી રીતે એઈમ્સની વાહવાહી કરતી પોસ્ટ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેયર કરતા જ એક વકીલે તેમને ટોણો માર્યો હતો કે બે વર્ષથી આરોગ્ય કેન્દ્ર તૈયાર થઈ ચૂક્યું છે તેને તો પહેલાં શરૂ કરાવો !
કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરિયાએ ત્રણ દિવસ પહેલાં `ભાનુબેન બાબરિયા’ નામના પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર એક પોસ્ટ શેયર કરી હતી જેમાં લખ્યું હતું કે “સામાન્ય તાવથી માંડીને જટિલ બિમારીના ઈલાજ માટે શ્રેષ્ઠ આરોગ્ય સેવા પૂરી પાડતી રાજકોટની સિવિલ અને એઈમ્સ હોસ્પિટલ. એઈમ્સમાં ઓપીડી પાંચ લાખને પાર, એનઆઈસીયુ સહિત 260 બેડની ઈન્ડોર સુવિધાનો આઠ હજારથી વધુ દર્દીઓએ લીધેલો લાભ.’
આ પણ વાંચો :સાત વર્ષની ફુલ જેવી બાળા પર કૌટુંબિક કાકાએ જ આચરી હેવાનિયત! રાજકોટમાં હૈયુ હચમચાવતી ઘટના આવી સામે
મંત્રીની આ પોસ્ટ બાદ હિરેન ડોબરિયા નામના એડવોકેટ કે જેઓ રાજકોટ બાર એસોસિએશનના કમિટી મેમ્બર પણ છે તેમણે ભાનુબેન બાબરિયાની પોસ્ટ પર કોમેન્ટ કરતા કહ્યું હતું કે “કોઠારિયા ગામમાં બે વર્ષથી તૈયાર આરોગ્ય કેન્દ્ર ઓપનિંગની વાટ જુએ છે આપની…જેથી બને તેટલી ઉતાવળ કરીને ઓપનિંગ કરીને કોઠારિયાના લોકોને સુવિધા આપવા વિનંતી…”
આ પણ વાંચો :ઘરનું આંગણું રેડિયમ અને ફ્લોરેન્સનાં રંગોથી ઝગમગશે: રાજકોટનાં વેપારીએ બનાવ્યાં 56 પ્રકારનાં દેશી રંગો
જ્યારે સાહિલ પટેલ નામના યુઝર્સે એડવોકેટ હિરેન ડોબરિયાની કોમેન્ટ પર વળતી પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે સુવિધા માટે હજી વાર લાગશે, પહેલાં ફોટા તો પડવા દયો, પછી ચાલું કરશે ! આ સહિતની અનેક પ્રતિક્રિયા લોકો તરફથી આપવામાં આવી હતી.
આ પ્રકારની કોમેન્ટનો મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા તો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી પરંતુ એક વાત તો નિશ્ચિત છે કે મંત્રીને માત્રને માત્ર વાહવાહી કરતી પોસ્ટ શેયર કરવામાં જ રસ છે. જો કોઠારિયા જેવા વિસ્તારમાં બે વર્ષથી આરોગ્ય કેન્દ્ર તૈયાર થઈ ગયું હોય અને માત્ર લોકાર્પણના વાંકે જ તેનો પ્રારંભ ન થઈ રહ્યો હોય તો મંત્રીએ અંગત રસ લઈને આ દિશામાં કાર્ય કરવું જોઈએ. જો કે આરોગ્ય વિભાગ તેમના પોર્ટફોલિયોમાં ન આવતો હોવા છતાં તેમણે એઈમ્સ હોસ્પિટલની વાહવાહી કરતા લોકોનો રોષ પણ એટલો જ જોવા મળ્યો હતો.
