પોરબંદરમાં મેઘતાંડવ : 14 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર, રેલવે ટ્રેક ધોવાઈ જતા 8 ટ્રેન રદ
ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. છેલ્લા 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબકતા તારાજી સર્જાઈ હોય તેવાં દૃશ્યો સામે આવ્યાં છે. પશુઓ તણાયાં છે તો વાહનો ડૂબ્યાં છે, ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યાં છે. પોરબંદરમાં રાણાવાવમાં 9 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ, ભારવાડાના વાડી વિસ્તારમાંથી 7 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. બગવદર કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તારમાંથી 2 લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યુ છે. વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોની બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર ઉપરાંત પણ જુનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. પોરબંદરમાં તો મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ આકાશી આફતથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. તો બીજી તરફ ભારે વરસાદના સમયે જ અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. તેમજ રેલવે ટ્રેક ધોવાતા 8 જેટલી પોરબંદર જતી ટ્રેનોને રદ કરવામાં આવી હતી.
આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીના વરસાદના આંકડા
રીશેડ્યુલ કરેલ ટ્રેનો
ટ્રેન નંબર 12949 પોરબંદર-સંતરાગાચી સુપરફાસ્ટ ટ્રેન 19.07.2024ના રોજ સવારે 9.10 વાગ્યાના નિર્ધારિત સમયને બદલે 6 કલાક મોડી એટલે કે 15.10 કલાકે દોડશે.
ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ તેના નિર્ધારિત સમય 10.30 કલાકને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11.30 કલાકે ઉપડશે.
શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ/આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ જેતલસર સ્ટેશન પર ટૂંકી થશે. આમ આ ટ્રેન જેતલસર-પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 19572 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ પોરબંદરને બદલે જેતલસર સ્ટેશનથી દોડશે. આમ આ ટ્રેન પોરબંદર-જેતલસર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ ભાણવડ સ્ટેશન પર ટૂંકી થશે.
ટ્રેનો સંપૂર્ણપણે રદ
ટ્રેન નંબર 09550/09549 પોરબંદર-ભાણવડ-પોરબંદર ટ્રેન 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
ટ્રેન નંબર 09565/09568 પોરબંદર-ભાવનગર-પોરબંદર ટ્રેન 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
ટ્રેન નંબર 09516/09515 પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેન 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (19મી જુલાઈ) પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.