આણંદમાં મેઘતાંડવ : 4 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્ત-વ્યસ્ત, ઈમરજન્સી નંબર જાહેર
સમગ્ર ગુજરાતમાં હાલ મેઘાવી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર કચ્છ સહીત ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આણંદમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે,
આણંદના બોરસદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ચાર કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ચારે બાજુ પાણી-પાણી થઇ જતા જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ જાણે કે નદીમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવુ લાગી રહ્યું છે. અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
બોરસદમાં સાત દિવસના વિરામ બાદ અનરાધાર વરસાદ વરસતા અનેક વિસ્તાર પાણી-પાણી થઈ ગયા હતા. જેમાં જનતા બજાર, સ્ટેશન રોડ, શંકર પાર્ક ચોકડી, વહેરા કાવીઠા સોસાયટી, મહારાજ વિસ્તાર, અક્ષર નગર સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા અનેક લોકો ફસાયા હતા ત્યારે NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બોરસદ અને આંકલાવ તાલુકામાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી આણંદ ક્લેકટર દ્વારા વિવિધ કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા છે.
🚨Rainfall Alert 🚨
— Collector and DM Anand (@CollectorAnd) July 24, 2024
106 mm rainfall in Borsad taluka between 8am and 10am and it is still raining heavily in Borsad and Anklav talukas.
Kindly remain safe and call disaster control room in case of any emergency.@revenuegujarat @CMOGuj @InfoGujarat pic.twitter.com/3HJxNQDn0Y
જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા બોરસદ પ્રાંત અધિકારી, બોરસદ મામલતદાર, બોરસદ તાલુકા વિકાસ અધિકારી સહિતના તાલુકા મથકના અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા અને યોગ્ય તકેદારીના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે.