રાજ્યમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસ્યા : જાણો ક્યાં-ક્યાં પડ્યો વરસાદ
હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં સતત ત્રીજા દિવસે ક્મોસમી વરસાદ વરસ્યો છે. અનેક જીલ્લામાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે. જેના લીધે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. જીલ્લાઓમાં વરસાદની વાત કરીએ તો રાજકોટ, અમરેલી, કચ્છ, સુરેન્દ્રનગર સહીત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજા વરસ્યા હતા તેમજ બનાસકાંઠા અને અંબાજીમાં પણ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદ વરસતા લોકોને વૈશાખમાં જ અષાઢની યાદ આવી ગઈ હતી.
વાત કરીએ રાજકોટની તો શહેરમાં અસહ્ય ગરમીના તાપ વચ્ચે રાજકોટમાં સાંજે વીજગર્જના સાથે વરસાદ શરુ થયો હતો. રાજકોટમાં મોટા મવા, ઈશ્વરીયા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ વરસતા રસ્તાઓ પાણી-પાણી થયા હતા તેમજ પડધરીમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વવળ્યા હતા. રાજકોટમાં ખરાબ હવામાનને કારણે ઇન્ડિગોની દિલ્હી-રાજકોટ અને એર ઇન્ડીયાની મુંબઇ-રાજકોટ ફલાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી.
પોરબંદરના બરડામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. બરડાના શિશલી ગામે બાલુભાઈ કારાભાઈ ઓડેદરા નામના વ્યક્તિ પર પર વીજળી પડતા, તેમનુ મોત થયું છે. અસહ્ય ગરમી અને ભારે બફારા વચ્ચે અચાનક જ ગ્રામ્ય પંથકમા માવઠું થયું છે. બરડાના રોઝડા, બખરલા, કાટવાણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.
વાત કરીએ સૌરાષ્ટ્રના અનેક જીલ્લાની તો કચ્છના નખત્રાણામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. કચ્છના નખત્રાણા, સાંગનારા સહિતના વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. અનેક જગ્યાએ તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હોવાના સમાચાર આવ્યા છે. નખત્રાણામાં પડેલા તોફાની વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. તેમજ સુરેન્દ્રનગરમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.
વાંકાનેરના કોટડા નાયાણી ગામે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના આઝાદ ચોક, માંગનાથ રોડ,, વણઝારી ચોકમાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદના કારણે અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે.