ઉતર ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું : પ્રાંતિજ અને વીસનગરમાં 6 ઈંચથી વધુ વરસાદ, એસટી બસનો પાણીમાં ગરકાવ
મેઘરાજાની શનિ-રવીની રજા પૂર્ણ થતા આજે રાજ્યમાં ફરી ધબધબાટી શરૂ કરી છે. સવારથી જ રાજ્યના ૧૯૩ તાલુકામાં વરસાદ શરૂ થયો છે. વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારેની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ આગામી 3 દિવસ ભારેથી અતિભારેની આગાહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. ત્યારે સવારથી મેઘરાજા ઉતર ગુજરાતને ધમરોળી રહ્યા છે . સાબરકાંઠા પંથકમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. હિંમતનગર, ઇડર, અવરલ્લી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજમા સાડા 6 ઈંચથી વધુ વરસાદ વરસતા અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા.
રેલવે અંડરબ્રિજના પાણીમાં બસ ડૂબી
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં વરસાદના પગલે પાણી ભરાયું છે. રેલવે અંડર બ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ છે. હિંમતનગરથી વીરાવડા જતી બસ હમીરગઢ અંદર બ્રિજના પાણીમાં ગરકાવ થઈ છે. રેલવે અન્ડર પાસ માંથી બસ પસાર કરવા જતા બસ ડૂબી ગઈ જતા ડ્રાઇવર કંડકટર બસની ઉપર ચડી ગયા હતા. ત્યારે સ્થાનિક લોકો દોડી ગયા અને ડ્રાઇવર કંડક્ટરને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા. આ બસ ડૂબી જવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
વિજયનગરની હરણાવ નદીમાં પુર
સાબરકાંઠાના પ્રાંતિજમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. સાડા 6 ઈંચથી વધુ વરસાદ વધુ વરસાદ ખાબક્યો છે. જેના પગલે પ્રાંતિજ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાબરકાંઠામાં વરસાદના કારણે વિજયનગરની હરણાવ નદીમાં પુર આવ્યું છે. વિજયનગરનાં ગ્રામ્ય વિસ્તાર કેલાવા,ખોખરા,સહિત રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ છે જેના કારણે હરણાવ નદીમાં પુર આવ્યું છે. ભારે વરસાદના પગલે હરણાવ નદી બે કાંઠે વહેતી થઇ છે. વિરામ બાદ વરસાદ તથા પૂરથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નડિયાદમાં 4.7 ઇંચ વરસાદ પડ્યો છે. વાત કરીએ આજની તો સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં સાડા 6 ઈંચથી વધુ (165 મીમી) ત્યારબાદ મહેસાણાના વીસનગરમાં 6 ઇંચ (154 મીમી) વરસાદ નોંધાયો હતો.
29મી જુલાઈની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, આજે (29મી જુલાઈ) કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.