ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં દેશમાં નૈઋત્યના ચોમાસાનું સમય પહેલા આગમન થઇ ચૂક્યું છે. હાલ ચોમાસું કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગો સુધી પહોંચી ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં મોન્સૂન પહોંચ્યું તે સાથે જ ગુજરાતમાં પણ વહેલા વરસાદની રાહ જોવાતી હતી ત્યારે રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી સમયસર જ થશે. 15 જૂન સુધીમાં હળવોથી મધ્યમ વરસાદ અને ત્યારબાદ મેઘરાજા બઘડાટી બોલાવશે. 30 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસું સમયસર જ આવશે
દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ચોમાસું વહેલું આવવાની શક્યતા હતી ત્યારે હવે તેની ગતિ ધીમી પડી જતાં ગુજરાતમાં ચોમાસું સમયસર જ આવશે. 15 જૂન સુધી હળવા વરસાદ બાદ કડાકા-ભડાકા સાથે સારો એવો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂન મહિનાની શરૂઆતમાં વરસાદનું જોર ધીમું રહેશે અને ત્યારબાદ જૂન મહિનાના બીજા પખવાડિયામાં એટલે કે 15 જૂન બાદ ગાજવીજ સાથે વરસાદ વરસશે.

હવામાન વિભાગની આગાહી મુજબ જ્યારે જૂન મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી રહી શકે છે. ડિસ્કાયમેટ મુજબ વાત કરીએ તો, જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડે છે. જૂન મહિનામાં સરેરાશ વરસાદ ઓછો રહે છે. દર વર્ષની સરખામણીએ વર્ષ 2025માં વધુ વરસાદ થવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
આ તારીખ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે વરસાદ પહોંચી જશે
વિધિવત રીતે હજુ ચોમાસું ગુજરાતમાં બેસ્યું નથી તે પહેલા જ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 10 જૂનથી 15 જૂનની આસપાસ દક્ષિણના દરિયા કિનારે ચોમાસું પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તા.27 મેના રોજથી કેરળમાં ચોમાસાએ વિધિવત રીતે આગામન કરી લીધી હતું, જે સામાન્ય કરતાં 5 દિવસ વહેલું હોવાનું જણાય છે.

હવામાન વિભાગની વરસાદની આગાહી
- 01 જૂન: બોટાદ, અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
- 02-05 જૂન: સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.
- 06 જૂન: ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.