‘Mc’ શબ્દને લઈને મેકડોનાલ્ડ્સને કોર્ટમાં મેકપટેલનો પડકાર : લોકલ કંપનીની વિશ્વ પ્રસિદ્ધ બ્રાન્ડ સામે કાનૂની લડાઈ, જાણો છે સમગ્ર મામલો
પિત્ઝા અને બર્ગર માટે વિશ્વમાં પ્રખ્યાત મેકડોનાલ્ડસને અમદાવાદની એક સ્થાનિક કંપની કોર્ટમાં ઢસડી ગઈ છે. Mcનો અર્થ ‘પુત્ર’ થાય છે પરંતુ હાલમાં આ જ શબ્દ તકરારનું કારણ બન્યો છે, જેને લીધે લોકલ ફૂડ કંપની McPatel Foods Pvt Ltd મેકડોનાલ્ડને કોર્ટમાં ખેંચી ગઈ છે. અમદાવાદ સ્થિત આ કંપની ‘ઓહ! પોટેટો’ બ્રાન્ડ હેઠળ ફ્રેન્ચ ફ્રાઈસ વેચે છે. મેકડોનાલ્ડ્સે Mc નામનો ઉપયોગ કરવા બદલ ‘પાયાવિહોણી ધમકી’ આપી હોવાનો આરોપ લગાવતા McPatel એ મેકડોનાલ્ડ્સ સામે દાવો દાખલ કર્યો છે.

મેકપટેલે અમદાવાદ ગ્રામીણ કોર્ટમાં અરજી કરી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, ગયા મહિને મેકપટેલે અમદાવાદ ગ્રામીણ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં મેકડોનાલ્ડ્સને તેના નામમાં ‘મેક’ શબ્દનો ઉપયોગ કરવાથી રોકવાની માંગ કરવામાં આવી હતી, તથા મલ્ટિનેશનલ કંપનીને “પાયાવિહોણી ધમકીઓ” આપતા અટકાવવા માટે ટ્રેડમાર્ક એક્ટની કલમ 142 હેઠળ દાવો દાખલ કરવામાં આવ્યો હતો.

સ્થાનિક કંપનીએ Mcનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ
મેકપેટલનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર કાઉન્સેલ એચ.એસ. ટોલિયાના જણાવ્યા અનુસાર, મેકડોનાલ્ડ્સે મેકપેટલને નોટિસ જારી કરીને દાવો કર્યો હતો કે Mc તેની ઓળખ છે અને આગ્રહ કર્યો હતો કે સ્થાનિક કંપનીએ Mcનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. આ ઉપરાંત તે પણ કહ્યું હતું કે જો Mcનો ઉપયોગ બંધ નહીં કરવામાં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

કોમર્શિયલ સ્યૂટ દાખલ કરતા પહેલા મિડિએશન પ્રોસેસ શરૂ કરવી એ પૂર્વશરત હોવાથી, મેકડોનાલ્ડ્સે દિલ્હી હાઈકોર્ટમાં મિડિએશન પ્રોસેસ શરૂ કરી અને મેકપટેલે પણ તેમાં ભાગ લીધો. જોકે, મેકડોનાલ્ડ્સ મક્કમ હતી કે મેકપટેલે તેના ટ્રેડમાર્કમાં Mcનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેથી પક્ષકારો વચ્ચે કોઈ સમાધાન નહતું થઈ શક્યું.
આ પણ વાંચો : ULLU અને ALT Balaji સહિત 25 APP પર કેન્દ્ર સરકારે લગાવ્યો પ્રતિબંધ : અશ્લીલ કન્ટેન્ટ પીરસવા મામલે મોટી કાર્યવાહી, જુઓ લિસ્ટ
Mc ખૂબ જ સામાન્ય પ્રિફિક્સ છે, અને તેનો અર્થ ‘પુત્ર’ થાય
મિડિએશન પ્રોસેસમાં કોઈ સમાધાન ન થવાનાને લીધે મેકપટેલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો, અને તેમાં મેકડોનાલ્ડ્સને કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપતા રોકવાની માંગ કરવામાં આવી હતી. તેમના કાઉન્સિલે જણાવ્યું હતું કે, કંપનીની દલીલ છે કે Mc ખૂબ જ સામાન્ય પ્રિફિક્સ છે, અને તેનો અર્થ ‘પુત્ર’ થાય છે.
આ પ્રિફિક્સના ઉપયોગના વિવિધ ઉદાહરણો ટાંકીને કંપનીએ તે પણ જણાવ્યું હતું કે, આ નામ પટેલના પુત્રનું સૂચન કરે છે, અને તેનો હેતું પટેલ કોમ્યુનિટીનું સન્માન કરવાનો છે. મેકપટેલની દલીલો ધ્યાનમાં રાખતા ગ્રામ્ય કોર્ટે મેકડોનાલ્ડ્સને નોટિસ જારી કરી છે અને આગામી સુનાવણી જુલાઈ 28ના રોજ કરવામાં આવશે.
